કરો વિનાયક ચતુર્થી અને મેળવો અનેક ચમત્કારિક લાભ

દરેક મહિને શુક્લ પક્ષની ચતુર્થી તિથિના રોજ શ્રી સિદ્ધિ વિનાયક ચતુર્થી વ્રત કરવાનું વિધાન છે. વ્રત કરવાનુ સામર્થ્ય ન હોય તો પુરાણોમાં કેટલીક વિશેષ વિધિ અને ઉપાય બતાવ્યા છે જેને કરીને આપણે ગણાધિપતિને પ્રસન્ન કરી શકીએ છીએ. ગણેશજીની પૂજા ઉપાસનાથી પારિવારિક ક્લેશથી મુક્તિ મળે છે. વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. શાસ્ત્રો મુજબ ગણેશજીને બે પત્ની રિદ્ધિ સિદ્ધિ અને પુત્ર શુભ અને લાભ બતાવ્યા છે. ભગવાન ગણેશ વિધ્નહર્તા છે અને તેમની પત્ની રિદ્ધિ-સિદ્ધિ યશસ્વી, વૈભવશાળી અને પ્રતિષ્ઠિત બનાવનારી હોય છે અને શુભ લાભ દરેક સુખ સૌભાગ્ય આપવા સાથે તેને સ્થાયી અને સુરક્ષિત રાખે છે.

સૌ પ્રથમ ભગવાન લંબોદરને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરો અને તેમના ચિત્રનું વિધિપૂર્વક પંચોપચાર પૂજન કરો. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો, ચંદનની અગરબત્તી પ્રગટાવો. સફેદ ફૂલ ચઢાવો. શ્વેત ચંદનથી તિલક કરો. માવાના પેંડાનો નૈવૈદ્ય લગાવો. બંને હાથમાં માવા અને શમીનાં કેટલાંક પાન લઈને ગણપતિજીની ગં ગણપતયૈ નમઃમંત્ર બોલતા અર્પિત કરો. પછી બંને હાથમાં અક્ષત(પૂર્ણ ચોખા) લઈને આ મંત્ર બોલતાં બોલતાં અક્ષત ગણેશજીને અર્પિત કરો.

કોઈપણ શુભ કાર્યની શરૂઆત વિધ્નહર્તાની આરાધનાથી થાય છે. સાધારણ પૂજા હોય કે ખાસ સૌથી પહેલાં તો ભગવાન ગણેશનું જ સ્મરણ કરવાનું હોય છે. ૩૩ કરોડ દેવી દેવતાઓમાં માત્ર તેમને જ પ્રથમ પૂજ્ય હોવાનો અધિકાર મળ્યો છે.

જ્યોતિષ શાસ્ત્રના મતે ભગવાન ગણેશને અનેક રૂપમાં પૂજવામાં આવે છે. તેમના દરેક રૂપનું અલગ મહત્વ છે. ઘરના મુખ્ય દરવાજાની ઉપર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાથી શુભ પ્રભાવ વધે છે. આ ઘરની સુખ શાંતિની રક્ષા સ્વયં ગણેશજી કરે છે. આ ઘરમાં નકારાત્મકતા કે વાસ્તુદોષ પ્રવેશ કરતાં નથી. ગણેશજી તેના ભક્તના દરેક કામ પૂર્ણ કરે છે. ભગવાન ગણેશજીના અલગ અલગ સ્વરૂપની પૂજા મનોકામના અનુસાર પણ કરવામાં આવે છે. જેમકે સંતાન પ્રાપ્તિ માટે સંતાન ગણેશની પૂજા, વિદ્યાપ્રાપ્તિ માટે વિદ્યા ગણપતિ, ઘરમાં અશાંતિ હોય ભૂત પ્રેતની બાધા સતાવતી હોય તો નૃત્ય કરતાં ગણપતિની સ્થાપના કરવી જોઈએ. ગણેશજીનું આ સ્વરૂપ પ્રસન્નચિત્ત રાખે છે અને ઉપરોક્ત બાધાઓ દૂર કરે છે.

શુકલ પક્ષની ચોથએ વિનાયક ચતુર્થી કહેવાય છે જ્યારે કૃષ્ણ પક્ષની ચોથએ સંકટ ચતુર્થી કહેવાય છે. પણ જો સંકટ ચતુર્થી મંગળવારના દિવસે હોય તો તે ગણેશ અંગારકી ચતુર્થી ગણાય છે. ગણેશ અંગારકી, ચતુર્થી વિશે શ્રી ગણેશ પુરાણમાં વિસ્તારપૂર્ણ ઉલ્લેખ જોવા મળે છે, જેમાં ગણેશજી દ્વારા મંગલદેવને એવું વરદાન આપવામાં આવ્યું છે કે મંગળવારના દિવસે ગણેશ ચતુર્થીની તિથિ કેવી રીતે અંગારકી ચતુર્થી તરીકે પ્રખ્યાત થશે. ગણેશ પુરાણની કથા મુજબ આજના સમયમાં પણ શ્રી ગણેશ અંગારકી ચતુર્થી પ્રસિદ્ધ છે.

ગ્રહોમાં સેનાપતિનું સ્થાન ધરાવતા મંગળના અધિષ્ઠાતા દેવતા તરીકે શ્રી ગણેશજી છે. પૃથ્વી પુત્ર મંગળે ભગવાન શ્રી ગણેશજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપશ્ચર્યા કરી હતી. મંગળદેવની તપશ્ચર્યા અને ભકિતથી પ્રસન્ન થઇ ગણેશજીએ તેમને દર્શન આપ્યા હતાં. અને એવું વરદાન આપ્યું હતું કે, ચતુર્થી તિથિ અને મંગળવારનો સંયોગ જ્યારે આવશે એ તિથિ અંગારકી ચતુર્થી તરીકે પ્રસિદ્ધ થશે અને આ દિવસે જે ભાવિકો ગણેશજીની વિધિ વિધાન સાથે પૂજા પાઠ કરશે તો આ પૂજા પાઠથી સમગ્ર દેવગણનું પૂજન થઇ જશે.

ગણેશજીની ઉત્પત્તિની કથા

ગણેશજીની ઉત્પત્તિની એક બહુ પ્રચલિત કથા પ્રમાણે માતા ભગવતી પાર્વતીજી અને કૈલાસપતિ ભગવાન શંકર આનંદ ઉલ્‍લાસપૂર્વક જીવન પસાર કરતા હતા. એક દિવસ એવું બન્‍યું કે ભગવતી ઉમા સ્‍નાનાગારમાં હતા અને બહાર દ્વારપાળ તરીકે નંદિ ઊભા હોવા છતાં મહેશ્વરે માતાજી સ્‍નાન કરે છે એવા નંદિના નિવેદનને અવગણીને સ્‍નાનાગારમાં પ્રવેશ કર્યો. આથી માતા પાર્વતી લજ્જિત થઇ ગયાં. આથી માતા ઉમાએ પોતાના અંગ ઉપરના મેલનું એક પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણનો સંચાર કર્યો. આ બાળક પરમ સુંદર, અત્યંત બુદ્ધિશાળી અને પરાક્રમી હતો. તેમણે પાર્વતીજીના ચરણોમાં અત્યંત શ્રદ્ધા સાથે પ્રણામ કર્યા અને તેઓની આજ્ઞા માગી.

દેવી પાર્વતીએ કહ્યું કે તું મારો પુત્ર છે, સર્વથા મારો જ છે. તુ મારો દ્વારપાળ થઇ જા અને મારી આજ્ઞા વગર કોઇ મારા અંતઃપુરમાં ન પ્રવેશે તેનું ધ્યાન રાખજે. એક વખત તપ કરીને ઘરે પાછા ફરેલા મહાદેવજી ઘરમાં દાખલ થવા ગયા, ત્યારે દરવાજા પાસે ઊભેલા શ્રી ગણપતિએ તેમને અંદર જતા રોક્યા. ભગવાન શંકર કોપાયમાન થયા. બંને વચ્ચે યુદ્ધ થયું. છેવટે મહાદેવજીએ ગણેશજીનું મસ્તક ધડથી જુદું કરી દીધું. પાર્વતીજી કલ્પાંત કરવા લાગ્યા.પાર્વતીજીના શોકને સમાવવા અને ગણપતિજીને સજીવન કરવા મહાદેવજીએ એક હાથીનું મસ્તક કાપી ગણપતિજીના ધડ પર મૂકી દીધું. ત્યારથી ગણેશજી ગજાનન કહેવાયા.

વિનાયક ચતુર્થીનું વ્રત કઇ રીતે કરવું ?
વિનાયક ચતુર્થીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઊઠીને સ્નાન અને દૈનિક ક્રિયાઓથી નિવૃત્ત થઇ, શુદ્ધ વસ્ત્ર ધારણ કરવાં. પૂજાના સ્થાન પર પૂર્વ દિશા બાજુ મુખ રાખીને કુશના આસન પર બેસવું. પોતાની સામે બાજઠ પર સફેદ વસ્ત્ર પાથરીને તેના પર એક થાળી માં કુંકુમથી શુભ લાભ લખવું યા સ્વસ્તિકનું ચિન્હ કરવું અને તેના પર મૂર્તિ સ્થાપવી. થાળીમાં કુંકુમ અને કેસરથી રંગેલા અક્ષતની ઢગલી કરવી અને તેના પર ગણેશજી મૂકી તેમનું પૂજન કરવું. અને શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો અને દિવસ દરમ્યાન ઉપવાસ કરીને રાત્રે ચંદ્રના દર્શન કરી ને ગણેશજીને લાડુનો ભોગ ધરાવવો અને નેત્રો બંધ કરીને પૂરી શ્રદ્ધાભાવથી ગણેશજીનો ઉપવાસ છોડવો.

આ ઉપરાંત નીચે દર્શાવ્યા અનુસાર પૂજા કરવાથી પણ આપ અપેક્ષિત ફળ મેળવી શકો છો. જળસ્નાન કરાવાથી જીવનમાં દુઃખનો નાશ થાય છે અને સુખનો આગમન થાય છે અને જીવનમાં વિદ્યા, ધન, સંતાન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સફેદ પુષ્પો અથવા જાસૂદ અર્પણ કરવાથી કીર્તિ મળે છે. દુર્વા- અર્પણ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય, આર્થિક ઉન્નતિ થાય છે અને સંતાન સુખ મળે છે. સિંદુર અર્પણ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ધૂપ અર્પણ કરવાથી કીર્તિ મળે છે. લાડુ અર્પણ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.

You might also like