અમદાવાદીઓમાં ગણેશોત્સવને લઇ લોકોમાં અનેરો ઉત્સાહ, બાપ્પાની મૂર્તિઓનું ધમાકેદાર વેચાણ

અમદાવાદઃ આવતી કાલે ગણેશ ચતુર્થી છે ત્યારે બાપ્પાનાં વધામણાં માટે અમદાવાદ વાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવાં મળી રહ્યો છે. શહેરભરમાં ગણેશોત્સવને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે શહેરનાં ગુલબાઈ ટેકરા કે જે ગણેશજીની મુર્તિઓ માટે પ્રખ્યાત છે.

જ્યાં નાનામાં નાની મુર્તિથી લઈને વિશાળ મુર્તિઓ બને છે. આ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિનું વેચાણ પુરજોરમાં જોવા મળી રહ્યું છે. ત્યાં મોટી સંખ્યામાં અમદાવાદવાસીઓ ગણેશજીની મુર્તિ ખરીદવા માટે આવી પહોંચ્યાં હતાં.

લોકો ટ્રકો ભરી ભરીને ગણેશજીને પોતાનાં ઘરે લઇ જવાં માટે ઉમટી પડ્યાં હતાં. માત્ર શહેરી જનો જ નહીં પરંતુ આસપાસના ગામડાઓમાંથી પણ લોકો બાપ્પાની મૂર્તિ લેવા માટે આવ્યાં હતાં. લોકોમાં ગણેશ ચતૂર્થિને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ગણેશજીની મૂર્તિઓ લેવા માટે ઢોલ નગારા સાથે ઉમટી પડ્યાં હતા.

ભક્તો પોતાનાં ઘરે બાપ્પાની સ્થાપના કરીને 10 દિવસ સુધી ભારે ઉત્સાહ સાથે તેમની પુજા અર્ચના કરશે. બાપ્પાનાં આગમનને લઈને લોકોએ પંડાલને શોળે શણગાર સજ્યાં છે. ક્યાંક ડીજેનાં તાલ સાથે તૈયારીઓ કરાઈ છે. તો ક્યાંક સ્વચ્છતા અભિયાન, જેવાં વિવિધ સંદેશો સાથે બાપ્પાનાં પંડાલ બનાવાયાં છે.

You might also like