ગણપતિ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં, “ડેડી”નું “આલા રે આલા ગણેશા” ગીત મચાવશે ધૂમ

રાજકોટઃ ગુજરાતનાં અનેક શહેરોમાં વિધ્નહર્તા દેવ ગણપતિદાદાનો મહોત્સવ નજીક આવતા જ ગણેશજીનાં સ્થાપનાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગણપતિ મહોત્સવનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે સુરત, રાજકોટ સહિત રાજયભરમાં ગણેશ સ્થાપનાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગણેશ ભક્તો ગણેશજીની મૂર્તિઓ ખરીદવા માંડ્યાં છે.

આ તરફ સુરતમાં પણ શ્રીજીનાં વધામણા માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. 50 હજારથી વધુ મૂર્તિઓ શહેરમાં સ્થાપિત થશે. 1 ફૂટથી લઈ 21 ફૂટ સુધીની મૂર્તિ સ્થાપિત થશે. મહારાષ્ટ્ર બાદ સુરત શ્રીજીની સ્થાપનામાં પ્રથમ ક્રમે આવશે. બીજી તરફ રાજકોટમાં પણ ગણેશજીનાં સ્થાપનાની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે.

ગણપતિદાદાની માટીની મૂર્તિઓનું સૌથી વધુ વેચાણ થયું છે. 1 ફૂટથી 5 ફૂટ સુધીની ગણપતિની મૂર્તિઓ જોવા મળી છે. પર્યાવરણને બચાવવા ખાસ માટીની મૂર્તિઓનું વેચાણ વધું થયું છે. 500થી વધુ નાના મોટા ગણપતિનાં સ્થાપનો થાય તેવા સંકેતો મળી રહ્યાં છે. કારમી મોંઘવારી અને કાચો માલ મોંઘો બનતા આ વખતે બાપાની મૂર્તિનાં ભાવમાં વધારો થોડો જોવા મળ્યો છે.

You might also like