ગાંધીનગરના મેયર ઉપર હુમલા કેસમાં કોંગ્રેસના આગેવાનોનો વહેલી સવારે જામીન ઉપર છુટકારો

ગાંધીનગર: ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનમાં ગઈ કાલે નવનિયુક્ત મેયર પ્રવીણ પટેલ ઉપર કોંગ્રેસના ટોળા દ્વારા હુમલો કરાયો હતો. અા મામલે મેયર દ્વારા કોંગ્રેસના નવ અાગેવાનો સહિત કુલ 35 વ્યક્તિના ટોળા સામે ફરિયાદ કરાઇ હતી. અા મામલે ગાંધીનગર પોલીસે અાગેવાનોની ધરપકડ કરીને વહેલી સવારે જામીન ઉપર છોડ્યા હતા.

ગાંધીનગર મ.ન.પા.ની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપને 16-16 બેઠક મળતાં ટાઈ પડી હતી, જોકે મેયરની ચૂંટણી દરમિયાન છેલ્લી ઘડીએ કોંગ્રેસના સભ્ય પ્રવીણ પટેલ ભાજપમાં જોડાઈ ગયા હતા, જેના કારણે ભાજપે તેમને મેયર બનાવ્યા હતા. ગઈ કાલે બપોરના સમયે મેયર પ્રવીણ પટેલ પર કોંગ્રેસના અાગેવાનો અને કાર્યકરોએ ટપલીદાવ કર્યો હતો. મેયરને ઈજાઅો પહોંચતાં ગાંધીનગરની સિવિલ હો‌િસ્પ‍ટલમાં દાખલ કરાયા હતા.

મેયરે પોલીસ સમક્ષ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા નિશિત વ્યાસ, શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. કૌશિક શાહ, જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી, ગાંધીનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, ઈશ્વર દેસાઈ અને તેજા દેસાઈ સહિત 35 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નિશિત વ્યાસ સહિતના અાગેવાનોની ધરપકડ કરી હતી, જોકે પોલીસ દ્વારા તમામને  વહેલી સવારે ત્રણ વાગ્યાના સુમારે જામીન ઉપર છોડી દેવામાં અાવ્યા હોવાનું નિશિત વ્યાસે જણાવ્યું હતું.

You might also like