હાર્દિકને કયા રાજકીય નેતાએ પીવડાવ્યું પાણી?, મનપા ક્લાર્ક પરીક્ષામાં ભાંગરો વટાયો

ગાંધીનગરઃ એક તરફ સરકાર હાર્દિકનાં 19 દિવસનાં ઉપવાસને ગણકારતી નથી તો બીજી તરફ ગાંધીનગર મહાનગર પાલિકાની ભરતીમાં હાર્દિક પટેલ વિશે પ્રશ્ન પૂછવામાં આવતા એક મોટો વિવાદ સર્જાયો છે. મનપા ક્લાર્કની પરીક્ષાનાં પેપરમાં હાર્દિક પટેલે કોનાં હાથે પાણી પીધું તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

પ્રશ્નનાં ઉત્તરનાં ચાર વિકલ્પોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નામ હતું. ત્યારે સવાલ એવો ઉભો થાય છે કે, શું જાણી જોઈને પરીક્ષાનાં પેપરમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. કારણ કે, એક તરફ હાર્દિકનાં ઉપવાસને લઈને સરકાર આક્રમક હતી અને હાર્દિકનાં ઉપવાસને નિષ્ફળ બનાવવા સરકારે કોઈ જ કસર બાકી રાખી ન હતી. એવામાં આ સમયે ગાંધીનગર મનપા ક્લાર્કની પરીક્ષામાં પ્રશ્ન પૂછાતાં અનેક સવાલો ઉભા થયાં છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિકે પોતાની ત્રણ માંગોને લઇને 19 દિવસ જેટલાં આમરણાંત ઉપવાસ કર્યા હતાં. જેમાં અનામત, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ જેવાં ત્રણ મુદ્દાઓ પર ઉપવાસ આંદોલન કર્યું હતું. જો કે સરકારે આ મામલે સહેજ પણ મચક ન હોતી આપી.

ત્યારે મહત્વનું છે કે હાર્દિકનાં આમરણાંત ઉપવાસનાં આ મુદ્દાને ધ્યાને રાખીને બીજી તરફ ગાંધીનગર મહાનગર પાલિકની ભરતીની લેવાયેલી પરીક્ષામાં હાર્દિકને લઇ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં પૂછવામાં આવ્યું કે,”તાજેતરમાં અમદાવાદમાં ઉપવાસ પર ઉતરેલ હાર્દિક પટેલને કયા રાજકીય નેતાએ પાણી પીવડાવ્યું?” તેમજ આ પ્રશ્નમાં ચાર વિકલ્પો પણ આપવામાં આવ્યાં હતાં. જેમાં શરદ યાદવ, લાલુ પ્રસાદ યાદવ અને શત્રુઘ્ન સિંહા અને વિજય રૂપાણી જેવા નામો આપવામાં આવ્યાં હતાં.

You might also like