‘જો હું બોલીશ અને તમારી કુંડળી કાઢીશ તો તમે બહાર નહીં નીકળી શકો’

ગાંધીનગર: વિધાનસભામાં મહિલાઓના મુદ્દે કોંગ્રેસના મહિલા ધારાસભ્યની ટિપ્પણી અંગે આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કરેલાં ઉચ્ચારણોનાં લીધે ગૃહમાં હંગામો મચી ગયો હતો. જેના કારણે ગૃહને રિસેસ સુધી મુલતવી રાખવાની ફરજ પડી હતી.  ગૃહ ફરી શરૂ થયું ત્યારે કોંગ્રેસના તમામ સભ્યો વેલમાં ધસી ગયા હતા. અધ્યક્ષશ્રીની ચેતવણી છતાં કોંગ્રેસના સભ્યોએ હોહા ચાલુ રાખતા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સિવાયના તમામ સભ્યોને એક દિવસ માટે સસપેન્ડ કર્યા હતા. સભ્યોને સસ્પેન્ડ કરાયા ત્યારે શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ઉપસ્થિત ન હતા.

વિધાનસભા ગૃહમાં દહેગામના મહિલા ધારાસભ્ય કામિની રાઠોડ રાજ્યપાલનાં પ્રવચન અંગેની ચર્ચામાં ભાગ લેવા માટે પોતાનું પ્રવચન આપી રહ્યાં હતાં ત્યારે રાજ્યના સિનિયર પ્રધાન નીતિન પટેલે તેમને બંધારણ અને મર્યાદામાં રહીને ભાષણ કરવા જણાવ્યું હતું.

જેના જવાબમાં કામિની રાઠોડે જણાવ્યું હતું કે શું નીતિનભાઇએ મહિલાઓને નહીં બોલવા દેવાની સોપારી લીધી છે. જે અંગે નીતિનભાઇએ પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે જો હું બોલીશ અને તમારી કુંડળી કાઢીશ તો તમે બહાર નીકળી નહીં શકો. નીતિન પટેલનાં ઉચ્ચારણોનાં કારણે ગૃહમાં હંગામો મચી ગયો હતો. કોંગ્રેસના સભ્યો વેલમાં આવી ગયા હતા અને નીતિન પટેલને શબ્દો પાછા ખેંચવા જણાવ્યું હતું. કોંગ્રેસના સભ્યોના હંગામાને કારણે અધ્યક્ષ આત્મારામ પરમારે રિસેસ સુધી ગૃહની કાર્યવાહી મુલતવી રાખી હતી.

You might also like