રાજ્યના પાટનગર ગાંધીનગરનો અાજે બાવનમો જન્મદિવસ

દેશના નાગરિકો જેને ગ્રીન સિટી, ક્લીન સિટી, પોલ્યુશન ફ્રી સિટી, ટ્રાફિકલેસ સિટી, કે‌િપટલ સિટી તરીકે ઓળખે છે એવા રાજ્યના પાટનગર ગાંધીનગરની સ્થાપનાને આજે 51 વર્ષ પૂર્ણ થયાં છે અને 52માે જન્મદિવસ ઊજવાઇ રહ્યો છે. અાજથી 51 વર્ષ પહેલાં 2 ઓગસ્ટ, 1965ના દિવસે ગાંધીનગરના નિર્માણની પ્રથમ ઇંટ મૂકવામાં અાવી હતી.

અા તારીખને છેલ્લાં 30 વર્ષથી ગાંધીનગરના જન્મદિવસ તરીકે ઊજવાય છે ત્યારે આજે ગાંધીનગરના 52મા સ્થાપના દિવસે ગાંધીનગર શહેરમાં જન્મદિવસની ઉજવણી વિવિધ સ્થળો પર વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવનાર છે. ગાંધીનગરના 52મા સ્થાપના દિવસ નિમિત્તે 30 વર્ષથી ઉજવણી કરતી ગાંધીનગરની જાણીતી સેવાકીય સંસ્થા ગાંધીનગર વસાહત મહામંડળ દ્વારા આજે જીઇબી કોલોની ખાતે પરંપરાગત રીતે કેક કાપીને શહેરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અા ઉપરાંત શહેરના કલ્ચરલ ફોરમ દ્વારા સોમવાર રાત્રે 12 વાગ્યે ટાઉનહોલ ખાતે પાટનગરના જન્મદિવસની કેક કાપીને ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું હતું. રાજભવન સ્થિત રાજ્યપાલના નિવાસસ્થાને પણ ગાંધીનગરના જન્મદિવસની ઉજવણીનું આયોજન કરાયું છે. શહેરની જુદી જુદી શૈક્ષ‌િણક સંસ્થાઓ દ્વારા પણ વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજીને પાટનગરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

You might also like