JNUમાં દેશવિરોધી નારાના વીડિયો અસલીઃ ગાંધીનગર એફએસએલ

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ૯ ફેબ્રુઆરીએ અફઝલ ગુરુની ફાંસીની વરસી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પોકારવામાં આવેલા દેશદ્રોહી નારા અને સૂત્રોચ્ચારના ચાર વીડિયો અસલી હોવાનો તથા તેમાં કોઈ ચેડાં કરાયા ન હોવાનો અહેવાલ ગાંધીનગર એફએસએલ દ્વારા અપાયો છે. દેશભરમાં વિવાદ જગાવનારા જેએનયુ પ્રકરણમાં ગાંધીનગર એફએસએલના રિપોર્ટ પર નવો વિવાદ છેડાવાની શક્યતા છે.

ગાંધીનગર સ્થિત ફોરેન્સિક લેબોરેટરીએ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સોંપેેલા આખરી અહેવાલમાં જણાવ્યું છે કે એફએસએલ તપાસમાં આ ચારેય વીડિયો સાચા અને અસલી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ૯ ફેબ્રુઆરીએ જેએનયુ કેમ્પસ પર દેશદ્રોહી સૂત્રોચ્ચારની વીડિયો ‌િક્લપ સુરક્ષાકર્મીઓ અને વિદ્યાર્થીઓ પાસેથી મળી હતી.

દેશદ્રોહી નારાબાજીની વીડિયો ‌િક્લપ મોબાઇલમાં રેકોર્ડ કરવામાં આવી હતી. વીડિયો ક્લિપમાં જે લોકો દેખાઇ રહ્યા છે અને જેમની ઓળખ સાબિત થઇ ચૂકી છે તેમને હવે પોલીસ પૂછપરછ માટે બોલાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૯ ફેબ્રુઆરીએ જેએનયુ કેમ્પસમાં થયેલા દેશ વિરોધી સૂત્રોચ્ચારના ચારેય વીડિયો અસલી છે. તાજેતરમાં સ્પેશિયલ સેલને મોકલવામાં આવેલા આખરી રિપોર્ટમાં એફએસએલ દ્વારા જણાવાયું છે કે આ વીડિયો ફૂટેજ સાથે કોઇ પણ પ્રકારનાં ચેડાં કરવામાં આવ્યાં નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ સેલે આ કેસની તપાસ દરમિયાન યુનિવર્સિટી કેમ્પસ અને સંકુલની મુલાકાત લીધી હતી ત્યારે ખબર પડી હતી કે કેટલાક લોકોએ ૯ ફેબ્રુઆરીના ઘટનાક્રમનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતાર્યો હતો, જેના આધારે પોલીસે કેટલાક લોકોને ઓળખી કાઢ્યા હતા અને વીડિયો ઉતારનાર લોકો પાસેથી મળેલા વીડિયો ફૂટેજ તપાસ માટે માર્ચ મહિનામાં એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

એક ન્યૂઝ ચેનલ દ્વારા અા વીડિયો ફૂટેજને દિલ્હી સ્થિત એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો અને કેમ્પસ પર કેટલાક લોકો દ્વારા ઉતારવામાં આવેલ વીડિયો ગાંધીનગર સ્થિત એફએસએલને તપાસ માટે મોકલી આપવામાં આવ્યો હતો અને હવે બે મહિના બાદ ગાંધીનગર એફએસએલનો રિપોર્ટ મળી ગયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટ મળવાથી હવે પોલીસ આરોપીઓ ફરતે ગાળિયો વધુુ મજબૂત કરશે અને બીજી બાજુ આ રિપોર્ટ અદાલત સમક્ષ એક મહત્ત્વના પુરાવા તરીકે પણ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે હૈદરાબાદની લેબને સાત વીડિયો મોકલ્યા હતા, જેમાંથી ત્રણ સાથે ચેડાં થયાં હોવાનું બહાર આવ્યું હતું. જેએનયુમાં ૯ ફેબ્રુઆરીએ  ડાબેરી પક્ષના વિદ્યાર્થી સંગઠન દ્વારા સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરુ અને જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના કો-ફાઉન્ડર મકબુલ બટની યાદીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સાંસ્કૃતિક કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું હતું. જેએનયુમાં સાબરમતી હોસ્ટેલની સામે સાંજે પ-૦૦ વાગ્યે આ કાર્યક્રમમાં અમુક લોકોએ દેશવિરોધી નારાબાજી કરી હતી ત્યાર પછી લેફટ અને એબીવીપીના વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. ૧૦ ફેબ્રુઆરીએ નારાબાજીનો વીડિયો સામે આવ્યો હતો.

દિલ્હી પોલીસે તા.૧ર ફેબ્રુઆરીએ દેશદ્રોહનો કેસ કરી જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ કન્હૈયાકુમારની ધરપકડ કરી હતી. પોલીસે તે પછી અનિર્બાન અને ઉમર ખા‌િલદની ધરપકડ કરી હતી. કોંગ્રેસ સહિત વિપક્ષે ધરપકડનો વિરોધ કરીને કેન્દ્રની ભાજપ સરકાર પર પસ્તાળ પાડી હતી. વીડિયોમાં નારાબાજી અને ફૂટેજનું મિક્સિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા હતા. જેએનયુની ઘટનાના સંસદ અને દેશભરમાં પડઘા પડ્યા હતા અને રાજકીય વાતાવરણ ગરમાયું હતું.
આ કાર્યક્રમના વીડિયો ફૂટેજમાં ‘અફઝલ હમ શર્મિંદા હૈ, તેરા કાતિલ અભી જિંદા હૈ’, ‘ભારત તેરે ટુકડે હોંગે, ઇન્શાલ્લા, ઇન્શાલ્લા’, ‘અફઝલ તેરે ખૂન સે ઇ‌ન્કિલાબ આયેગા’, ‘તુમ કિતને અફઝલ કો મારોગે, હર ઘર સે અફઝલ નિકલેગા’ તથા ‘ભારત કી બરબાદી તક જંગ રહેગી, જંગ રહેગી’નાં સૂત્રો પોકારવામાં આવ્યાં હોવાનું સ્પષ્ટ સંભળાય છે.

ગાંધીનગર એફએસએલના ડાયરેક્ટરનો સંપર્ક થઈ શક્યો ન હતો. જો કે એક ઉચ્ચ અધિકારીઅે નામ નહીં અાપવાની શરતે જણાવ્યું હતું કે જેએનયુના વિવાદાસ્પદ પ્રકરણમાં મોબાઈલથી શૂટ કરાયેલા ચારથી વધુ વિડીયો અસલ છે. તેમાં કોઈ મિકસીંગ કે ચેડાં કરાયા નથી.

You might also like