ગાંધીજીએ છ હજાર પાનાંનો મહાભારત ગ્રંથ યરવડા જેલમાં ચાર મહિનામાં પૂરો કર્યો હતો

મહાભારતમાં સેંકડો આખ્યાન, ઉપાખ્યાન છે. રાજાઓના વંશનું વર્ણન છે. તેમનો અદ્દભુત કીર્તિ-કલાપ છે, તેમની ભૂલોનું પણ વર્ણન છે અને તે ભૂલોને સુધારવાના ઉપાય પણ દર્શાવેલા છે.

વ્યાસપીઠ પરથી ગવાતી અત્યારની કથાઓમાં પણ પુરાણ ચરિત્રોનો મહિમા ઓછો અને સ્વનો મહિમા વધુ ગવાય છે. તેમાં કથાકારની અપાત્રતા અને અનીતિને કારણે ધર્મતત્વને મંદ પાડીને અન્ય પાસાંઓ ઉપર વધુ ભાર મુકાય છે. ફેશનવીકની જેમ અઠવાડિયામાં કથા પૂરી કરાય છે.

સ્વામી હરિહરાનંદજી કરતા હતા તેવી કથા કરનારા કેટલા? વેદ-ઉપનિષદોના જ્ઞાતા સ્વામી હરિહરાનંદજીએ સ્વયં ગીતા અને મહાભારતની સરળ ભાષામાં રચના કરી હતી. આધુનિક ભારતમાં મહાભારતની કથા કરનારા પણ તેઓ પ્રથમ હતા. ભારત અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે કાશી નગરીમાં તેમણે મહાભારત કથાના સમારોહનું આયોજન કર્યુ હતું.

સ્વામીજીના મુખેથી મહાભારતની કથા સાંભળવા શ્રોતાઓની એટલી ભિડ જામતી કે વિશાળ વેનિયાબાગનું મેદાન નાનું પડવા માંડ્‌યુ હતું. લોકોએ કાશી નગરીની ગલીઓ અને ચોકોમાં લાઉડસ્પીકરની વ્યવસ્થા કરીને આખી નગરીને કથા સાંભળવાની સુવિધા કરી આપી હતી.

એ પહેલા લોકોએ ગીતા, રામાયણ, ભાગવત, ઉપનિષદ, દર્શન, વેદોના અનેક વક્તાઓ સાંભળ્યા હતા. પરંતુ મહાભારત ઉપર પ્રવચન કરતા વક્તા સ્વરૂપે સ્વામી હરિહરાનંદજીને પહેલીવાર જોયા હતા. મહાભારતની એ કથા ચાર મહિના સુધી ચાલી હતી.

કથા દરમિયાન જ સ્વામીજીએ જોયુ કે દેશવાસીઓને ભ્રમિત કરવા માટે અને ભારતિય પરંપરાઓને નાબુદ કરવા માટે કેટલાક સ્વાર્થ પરાયણ અને સંકુચિત ધારણાવાળા બ્રાહ્મણોએ અન્ય ધર્મો અને સંપ્રદાયોથી ગ્રસિત થઈને પ્રજામાં એવો મિથ્યા પ્રચાર કરાવ્યો અને ખોટી ધારણા બંધાવી કે કોઈ મહાભારત ગ્રંથને પોતાના ઘેર ન રાખે અને કથા પણ ન સાંભળે. સ્વામી હરિહરાનંદજીએ પ્રજાના આ અજ્ઞાન અને ભ્રમને દુર કરવા માટે અન્ય નગરોમાં મહાભારતનો પ્રચાર અને પ્રસાર કરવા માટે મહાભારત ઉપર જ પ્રવચન કરવાનું શરૂ કર્યું. બે વર્ષ સુધી સ્વામીજીએ અનેક સ્થળોએ મહાભારત કથા કરી.

મહાભારતમાં શું છે? પ્રશ્નનો ટૂંકો જવાબ આમ આપી શકાય, મહાભારતમાં સેંકડો આખ્યાન, ઉપાખ્યાન છે. રાજાઓના વંશનું વર્ણન છે. તેમનો અદ્દભુત કીર્તિ-કલાપ છે, તેમની ભૂલોનું પણ વર્ણન છે અને તે ભૂલોને સુધારવાના ઉપાય પણ દર્શાવેલા છે. એમાં ઋષિઓની કથાઓ છે, તેમની તપશ્ચર્યાઓનાં વર્ણન છે, તેથી થતા વિશ્વહિતના ઉલ્લેખ છે, અને જે જે ઋષિઓ તપોભ્રષ્ટ થયેલા તેના પણ કારણો દર્શાવેલાં છે. એક સામાન્ય માનવ સાધના દ્વારા પ્રયત્ન કરતો કરતો કેવી રીતે શ્રેષ્ઠ માનવ થઈ શકે તે એમાં દર્શાવેલું છે.

તેની સાથે એ પણ દર્શાવ્યું છે કે ગમે તેવો મહાબળવાન પણ જો વિવેકભ્રષ્ટ હોય કે થાય તો તેની કેવી દુર્દશા થાય છે. તેની પાસે બધુ હોવા છતા કોઈપણ તેની રક્ષા કરી શકતું નથી. આવા સત્ય સિદ્ધાંતોને સાબિત કરતા બનાવોના અનેક વર્ણનો મહાભારતમાં છે. આવા આ ગ્રંથને વાંચવાથી માણસને દુરાચારથી દુર રહી સદાચારી થવાનું શિક્ષણ મળશે. અધર્મથી દૂર રહી ધર્માત્મા થવાનો ઉપદેશ મળશે.

બીજાનાં ગળાં કાપીને મેળવાતાં ઐશ્વર્ય કરતા સાદું-સીધું અને સરળ જીવન સ્વીકારવાનો ઉત્સાહ મળશે. મહાભારતમાં શૃંગારથી તે વૈરાગ્ય સુધી બધા રસોનું સુંદર મિલન થયુ છે. આ એક એવો અસામાન્ય ગ્રંથ છે કે જેને વાંચવામાં જીવ એકદમ પરોવાઈ જાય છે અને જાતજાતના ઉપદેશ તો મફતમાં જ મળી જાય છે.

સંસારના એ મહાવીરોની વીરકથા વાંચીને આપણા મુડદાલ પ્રાણોમાં નવીન સંજીવની શક્તિ ભરવાની ઇચ્છા હોય તો મહાભારત ગ્રંથ અવશ્ય વાંચવો જોઈએ. પ્રોફેસર દાવર કહે છે કે મહાભારત એ માત્ર મહાકાવ્ય જ નહી, એન્સાઇક્લોપીડિયા એટલેકે વિશ્વકોષ પણ છે.

કેમકે તેમાં દરેક વિષયને લગતું જ્ઞાન સમાયેલું છે. પંડિત જયગોપાલ વિદ્યાભંડારે તો કહ્યુ છે કે સંસાર સાગરને તરી જવા માટે મહામુનિ વ્યાસદેવજીએ ખરેખર મહાભારતરૂપી એક જબરદસ્ત વહાણ જ બનાવી આપ્યું છે.

મહાત્મા ગાંધીજી છ હજાર પાનાંનો મહાભારત ગ્રંથ યરવડા જેલમાં ચાર મહિનામાં પૂરો કર્યા પછી લખે છે, “મેં પહેલા તો એવો મત બાંધી લીધો હતો કે એમાં મારપીટ, લડાઈ અને ઝઘડાઓની કહાણીઓનાં લાંબાં વર્ણનો હશે જે મારાથી વાંચી પણ નહી શકાય.

પરંતુ મેં મહાભારત વાંચવાનું શરૂ કર્યું પછી તો એ એટલું બધુ મનમોહક થઈ પડ્‌યું કે એમાં એટલી બધી લેહ લાગી ગઈ કે એકવાર શરૂ કર્યા પછી એ ગ્રંથ પૂરો કરવાને હું અધીરો જ બની ગયો અને પૂરું વાંચ્યા પછી મારા પહેલાના ખ્યાલો ખોટા ઠર્યા. મહાભારત રત્નોની અખૂટ ખાણ છે. જેને વધુને વધુ ઊંડી ખોદીએ તેમ તેમ તેમાંથી કીમતી જવાહર વધુને વધુ નીકળતાં જાય.”•

You might also like