ગાંધી જયંતીએ ‘વિશેષ માફી’ યોજના હેેઠળ કેદીઓને મોટા પાયે મુકત કરાશે

નવી દિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતી પ્રસંગે દેશમાં મોટા પાયે કેદીઓને મુક્તિ આપવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેેઠકમાં પોતાની અડધાથી વધુુ સજા કાપી ચૂકેલા ૬૦ વર્ષથી વધુ વયના અને વિકલાંગ કેદીઓને ત્રણ તબક્કામાં ખાસ યોજના હેઠળ જેલમાંથી મુકત કરવામાં આવશે.

નીતિ આયોગની બેઠકમાં બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે આ સૂચન કર્યું હતું, જેના પર કેન્દ્રીય કેબિનેટે મંજૂરીની મહોર લગાવી છે. જોકે દહેજ હત્યા, બળાત્કાર, માનવ તસ્કરી અને પોટા, યુએપીએ, ટાડા, મની લોન્ડરિંગ એકટ, ફેમા અને અન્ય ગંભીર અપરાધોના દોષિત કેદીઓને આ યોજના હેેઠળ મુકત કરવામાં આવશેે નહીં.

કેદીઓને સ્પેશિયલ માફી આપીને ત્રણ તબક્કામાં મુકત કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ર ઓકટોબર, ર૦૧૮ (મહાત્મા ગાંધી જયંતી)ના રોજ મુકત કરવામાં આવશે. બીજા તબક્કામાં કેદીઓનેે ૧૦ એપ્રિલ, ર૦૧૯ (ચંપારણ સત્યાગ્રહની વર્ષગાંઠ)ના રોજ મુકત કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં કેદીઓને ર ઓકટોબર, ર૦૧૯ (મહાત્મા ગાંધી જયંતી)ના રોજ મુકત કરાશે.

સરકાર પપ વર્ષ કે તેથી વધુ વયની મહિલા કેદીઓ અને એટલી જ ઉંમરના કે તેથી વધુ ઉંમરના કિન્નર કેદીઓને પણ મુકત કરશે. સાથે જ દિવ્યાંગ અને શા‌રીરિક રીતે ૭૦ ટકા કે તેથી વધુ અક્ષમતા ધરાવતા કેદીઓ કે જેમણે પ૦ ટકા વાસ્તવિક સજા કાપી લીધી હોય અને એવા કેદીઓ કે જેમણે પોતાની બે તૃતીયાંશ (૬૬ ટકા) વાસ્તવિક સજા કાપી લીધી હોય તેમને પણ મુકત કરવામાં આવશે.

દેહાંત દંડની સજા કાપી રહેલા કેદીઓને અથવા જેમની દેહાંત દંડની સજા આજીવન કારાવાસમાં બદલવામાં આવી છે તેમને આ વિશેષ માફી યોજના હેઠળ મુકિત આપવામાં આવશે નહીં.

You might also like