મોદીને ટાર્ગેટ ન બનાવવા ૫ક્ષના સાંસદોને સોનિયા ગાંધીની સલાહ

નવીદિલ્હી : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પોતાના પક્ષના સભ્યોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ નહીં કરવા આજે અપીલ કરી હતી. મોદીને ટાર્ગેટ નહીં કરવા કોંગ્રેસના સાંસદોને સોનિયા ગાંધીએ અપીલ કરીને તમામને ચોંકાવી દીધા હતા. લોકસભામાં જ્યારે મોદી ઉપસ્થિત રહે ત્યારે આ પ્રકારના નિવેદન નહીં કરવા કહેવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ કોંગ્રેસ વડાએ પક્ષના કાર્યકરોને અને સાંસદોને આ મુજબની અપીલ કરી હતી.

ડીડીસીએ કૌભાંડ સહિતના મુદ્દા પર એનડીએ સરકાર ઉપર પ્રહારો મોડેથી કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના સાંસદ અધીરરંજન ચૌધરી ગૃહની વચ્ચોવચ પહોંચીને વડાપ્રધાન મોદી સામે પ્રહારો કરી રહ્યા હતા ત્યારે સોનિયા ગાંધીએ આ મુજબની વાત કરી હતી. સોનિયા ગાંધી વિપક્ષની બેંચમાં બેઠા હતા. તેઓએ ઉભા થઇને કોંગ્રેસના સાંસદને સાફ શબ્દોમાં સૂચના આપી હતી કે, ભ્રષ્ટાચાર સામે સૂત્રોચ્ચાર અને મુદ્દા ઉઠાવી શકાય છે પરંતુ વડાપ્રધાનનું નામ લેવું જોઇએ નહીં.

આ નિવેદનથી તમામને આશ્ચર્ય થયું હતું તે વખતે મોદી પણ ગૃહમાં ઉપસ્થિત હતા. જો કે, થોડાક ગાળામાં જ મોદી રશિયા માટે રવાના થઇ ગયા હતા. મહત્વપૂર્ણ બાબાત એ છે કે, સમગ્ર શિયાળુ સત્ર દરમિયાન એનડીએ સરકાર ઉપર પ્રહાર કરવામાં કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરનાર સોનિયા ગાંધીએ આજે વડાપ્રધાનના મુદ્દે અલગ પ્રતિક્રિયા આપી હતી.

સંસદનું શિયાળુ સત્ર આજે પૂર્ણ થયું હતું. જીએસટી બિલ ફરી એકવાર પસાર થઇ શક્યું ન હતું. વડાપ્રધાન મોદીએ હાલમાં જ સોનિયા ગાંધી સાથે વાતચીત કરી ત્યારે મતભેદોને દૂર કરવાની વાત કરી હતી. તેમના રેસક્રોસ રોડ નિવાસસ્થાને સોનિયા ગાંધી અને મનમોહનસિંહને વાતચીત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે સોનિયા ગાંધીને આ મુજબની રજૂઆત કરી હતી.

You might also like