મજબૂત મનોબળથી ગેઇમ ચેન્જર બની જાઓ…

માણસનું મન જ પોલાદ છે

ભૂપત વડોદરિયાના ચિંતનાત્મક લેખોમાંથી ચૂંટેલા લેખની પ્રસ્તુતિ

એક વયોવૃદ્ધ સજ્જને કહ્યું, ‘એક મોટો આઘાત લાગે તો માણસને હૃદયરોગનો હુમલો આવે. પણ જીવનમાં જે નાના મોટા આઘાતો મનને લાગે છે તો મન ઉપર એની શી અસર થાય ? મારો દાખલો આપું તો મનના ઘણા આંચકા મેં વેઠ્યા છે પણ એનાથી મન નબળું પડી ગયું હોય એવું તો કદી જોવા મળતું નથી. મનને કોઈક વાર આઘાત લાગે છે પણ ધરતીકંપનો આંચકો જેમ પૃથ્વી પચાવી લે છે તેમ મન પણ આવા નાનામોટા આંચકા હજમ કરી જાય છે.

હૃદય શરીરનું એક અંગ છે પણ મનની સ્થૂળ હસ્તી નથી. મનનો કોઈ આકાર નથી. મનની કોઈ આકૃતિ નથી અને સુખદુખના બધાં અનુભવો આપણા મન દ્વારા જ આપણે કરીએ છીએ. તો એ માણસ કહે છે કે મારું મન ખાટું થઈ ગયું છે. કોઈ કહે છે મારું મન બહુ દુભાયું છે. કોઈ કહે છે કે મારું હડહડતું અપમાન ભૂલી શકતો નથી. સાચું કહીએ તો માણસનું મન એટલાં બધાં સુખદુઃખની હારમાળા અનુભવી ચૂક્યું હોય છે. કોઈ કામ આપણે કરીએ અને તે બરાબર કરી ના શકીએ ત્યારે આપણે કહીએ છીએ કે હું એમાં મારું મન પરોવી શક્યો નથી. મન એ તો એક એવો જીવનનો આધાર છે કે આપણે કહીએ છીએ કે મન હોય તો માળવે જવાય. મન મક્કમ હોય તો મુશ્કેલ પરિસ્થિતિનો સામનો પણ થઈ શકે. મન જો સંકલ્પ વિકલ્પમાં પડે તો માણસ એક પણ ડગલું આગળ થઈ શકે નહીં. જવું કે ના જવું, અમુક કામ કરવું કે ના કરવું, આ દિશામાં જવું કે પેલી દિશામાં જવું એ બધા નિર્ણયો મનના જ હોય છે.

એટલે આપણે જેને નિશ્ચયનું બળ કહીએ છીએ તે નિશ્ચય મનનો જ હોય છે ને! કોઈના ખમીરની પ્રશંસા કરીએ ત્યારે આપણે કહીએ છીએ કે એનું મનોબળ ખૂબ છે અને એક વાર મનોબળ કરે તો તે કદી પાછી પાની કરતો નથી. પગમાં દોડવાની શક્તિ, હાથમાં મુશ્કેલ કામ કરવાનું બળ તે બધું મનને આધીન જ છે ને! કોઈ મોટી આપત્તિ સામે આવે તો મુકાબલો કરવો કે નાસી છૂટવું એ મન જ મનોબળ કરે છે. આપણે જોયું છે કે નબળા-દુબળા માણસો કેટલીક વાર ખૂબ મક્કમ મનના હોય છે. મહાત્મા ગાંધી તો મુઠ્ઠી હાડકાંનો માળો કહેવાતા. પણ બ્રિટિશ સૈનિકોના ઉગ્ર પ્રહારો વેઠી શક્યા હતા. શરીરમાં એટલી શક્તિ ન હતી પણ મન અત્યંત બળવાન હતું. ગમે તેવા વિકટ પ્રસંગોમાં પણ એ કદી ડગ્યા ન હતા.

બીજી બાજુ આપણે ઘણા બધા એવા માણસો જોઈએ છીએ કે જે મનની લગામને મજબૂત રીતે પકડી શકતા નથી. એટલે તો નબળા મનના માણસને વિશે આપણે કહીએ છીએ કે એનું મન તો પાણીના પોટલા જેવું છે. પોટલામાં પાણી બંધાય નહીં. આવા માણસો એક ક્ષણે એક નિર્ણય કરે અને બીજી જ ક્ષણે બરફનો ટુકડો ઓગળે તેમ નિશ્ચય ઓગળી જાય. કેટલાક માણસો એવો નિર્ણય કરે છે કે આવતી કાલથી હું રોજ સવારે છ વાગે ઊઠી જઈશ અને એક-બે કિલોમીટર ચાલીશ પણ ઘડિયાળમાં છનો કાંટો જોયા પછી પણ એ પથારીમાંથી બેઠા થઈ શકતા નથી. બચાવમાં કહેશે કે હું શું કરું? મારી ઊંઘ જ પૂરી થઈ નથી! એક વિદ્યાર્થી પરીક્ષાને કારણે રાત્રે બે વાગ્યે જાગીને અભ્યાસ કરવાનું નિશ્ચય કરે છે અને એ બે વાગ્યે ઊઠી પોતાનું કામ હાથ ધરે છે. આંખમાં ઊંઘ ભરી હોય છે તો આંખમાં ઠંડું પાણી છાંટીને ઊંઘને ઉડાડી મૂકે છે. આપણે જોઈએ છીએ કે ઘણા બધા માણસોએ પોતાના કર્તવ્ય પ્રત્યેના લગાવથી નિશ્ચયપૂર્વક ઊંઘ અને જાગૃતિના સીમાડા ભૂંસી નાખ્યા હોય છે.

માણસમાં શારીરિક શક્તિ વધારે હોય કે ઓછી હોય, મન જ કોઈ પણ વાતને અમલમાં મૂકવાનું ચાલકબળ પૂરું પાડે છે. એમ કહેવાય છે કે મહાન નેપોલિયન ઘોડા પર જ સૂઈ જતો અને તે ઊંઘમાં પણ ક્યારેય ઘોડા પરથી ગબડી પડ્યો નથી. સાચું કહીએ તો માણસનું મન જ પાણી છે અને માણસનું મન જ પોલાદ છે. પોતાના મનને સંકલ્પવિકલ્પના પ્રવાહમાં ભરવા દેવું કે તેને અભેદ્ય દીવાલ જેવું બનાવવું એ એના પોતાના હાથની વાત જ હોય છે. આપણે બધા નાના મોટા સંકલ્પો તો કરીએ છીએ પણ એ સંકલ્પને વળગી રહીને કામ પાર પાડવા માટે જરૃરી મનોબળ હોતું નથી. એક ક્ષણે એક નિર્ણય કરીએ છીએ, બીજી ક્ષણે બીજો નિર્ણય કરીએ છીએ. પછી કોઈ ત્રીજો નિર્ણય કરીએ છીએ, પણ આમાંથી કોઈ પણ નિર્ણયને અમલમાં મૂકવાની ત્રેવડ હોતી નથી. એટલે જ તો કોઈ જૂના સુભાષિતમાં કહ્યું છે કે મન જ બંધન અને મોક્ષનું કારણ છે. ભગવાન શ્રીકૃષ્ણે એવું કહ્યું છે કે ‘પાપ શું કે પુણ્ય શું, એ મનનો નિર્ણય હોય છે.’

આપણે જોઈએ છીએ કે આનંદ અને શોકની લાગણી, સુખ અને દુખની લાગણી, માન કે અપમાનનો ભાવ એ બધું માણસનું મન કેવો અભિગમ અપનાવે છે તેની પર જ આધાર રાખે છે. એટલે કોઈ પણ માણસની આપણે પ્રશંસા કરીએ ત્યારે એવું જરૃર કહીએ છીએ કે એનામાં સારું કે ખરાબ જે કંઈ હોય તે, પણ સૌથી મોટી વાત એ છે કે એનું મન બહુ  મજબૂત  છે અને એટલે જ આપણે એમ પણ કહીએ છીએ કે માણસનું મન  મજબૂત  હોય તો પાંગળો માણસ પણ પર્વત ચઢી જાય. આમાં ઈશ્વરની કૃપા તો અભિપ્રેત છે જ અને સંભવતઃ મૈંમ મનને પણ ઈશ્વરી કૃપા સમજીને તેનું અભિવાદન કરવું જોઈએ.

જીવન ઘડતર અને લાઇફ મોટીવેશનને લગતા વડોદરિયાના ચૂંટેલા લેખો નિયમિત વાંચવા ‘સમભાવ-મેટ્રો’ પોર્ટલ પર નિયમિત મુલાકાત લો…

———————–.

You might also like