જુગારની લતે ચડેલા બે લવરમૂછિયાએ મોબાઈલ ફોન અને બાઈક ચોર્યાં

અમદાવાદ: જુગાર રમવા માટે ચોરીની લતે ચઢેલા બે સગીર યુવાનોની રામોલ પોલીસે ચોરીનાં ત્રણ બાઇક અને મોંઘાદાટ 16 મોબાઇલ સાથે ધરપકડ કરી છે. જજીસ બંગલો વિસ્તારમાં થોડાક સમય પહેલાં માય મોબાઇલ શોપની દુકાનનું શટર તોડીને 16 મોબાઇલ, 5 પેનડ્રાઇવ, ઇયર ફોન અને મોબાઇલ એસેસરીઝની ચોરી થઇ હતી. આ સિવાય વસ્ત્રાપુર, નવરંગપુરા અને કૃષ્ણનગરમાંથી ત્રણ બાઇકની ચોરી થઇ હતી. આ તમામ ગુનામાં સંડોવાયેલા બે સગીર યુવાનોને રામોલ પોલીસે મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરાઇવાડી વિસ્તારમાં રહેતા 17 વર્ષીય રાજુ અને 19 વર્ષીય અલ્પેશ જુગાર રમવાનો શોખ ધરાવે છે. જુગાર રમવા માટે પરિવારજનો પાસેથી રૂપિયા નહીં મળતાં બન્ને જણાએ ચોરી કરવાનું શરૂ કર્યું હતું. આ વર્ષે રાજુ અને અલ્પેશે શહેરના પોશ વિસ્તાર વસ્ત્રાપુર, નવરંગપુરા તથા કૃષ્ણનગર વિસ્તારમાં ત્રણ બાઇકની ચોરી કરી હતી. આ સિવાય જજીસ બંગલો વિસ્તારમાં આવેલી થોડાક સમય પહેલાં રૂદ્ર કોમ્પ્લેક્સમાં માય મોબાઇલ શોપની દુકાનનું શટર તોડીને 16 મોંઘાદાટ મોબાઇલ તથા પેનડ્રાઇવ અને મોબાઇલ એસેસરીઝની ચોરી કરી હતી.

રામોલ પોલીસને બાતમી મળી હતી કે ગઇ કાલે બન્ને આરોપીઓ વસ્ત્રાલ બાપા સીતારામ ચોક પાસે મોબાઇલ ફોન વેચવા માટે જઇ રહ્યા છે, જેના આધારે બન્ને યુવકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ત્રણ બાઇક અને 16 મોબાઇલ, પેનડ્રાઇવ વગેરે કબજે કરાયાં છે. આ મુદ્દે રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ પરેશ સોલંકીએ જણાવ્યું છે કે પકડાયેલા બન્ને આરોપીઓ પૈકી એક આરોપી અગાઉ પણ ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. જુગાર રમવા માટે બન્ને જણા ચોરીની લતે ચઢ્યા છે.
(નામ બદલેલ છે)

You might also like