સનાથલ સર્કલ પાસે મેદાનમાં જ જુગાર રમતા છ લોકો ઝડપાયા

અમદાવાદ: સરખેજ-બાવળા હાઇવે પર આવેલા સનાથલ સર્કલ પાસે પેટ્રોલ પમ્પ પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ શખ્સોને અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઝડપી લીધા છે. પોલીસને આરોપીઓ પાસેથી માત્ર એક લાખ રૂપિયા રોકડા જ મળી આવ્યા હતા. મોબાઈલ ફોન કે કોઈ અન્ય વાહન મળી ન આવતાં અનેક સવાલો ઊઠ્યા છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ચાંગોદરના સનાથલ સર્કલ પાસે પેટ્રોલ પમ્પ પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સ કુંડાળું કરીને જુગાર રમી રહ્યા છે, જેના આધારે એલસીબીની ટીમે ગઈ કાલે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ પડતાં જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે તમામ જુગારીને ઝડપી લીધા હતા.

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં તેમનાં નામ રજુ વાઘેલા (રહે. થલતેજ ગામ, અમદાવાદ), હિતેશ પટેલ (રહે. કદમ ટેનામેન્ટ, ઘાટલોડિયા), સંજય ભટ્ટ (રહે. શ્રીનાથ ટેનામેન્ટ, વ્યાસવાડી), ચેતન શાહ (રહે. શિવાલિક એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા), રમેશ મારવાડી (રહે. બાપુનગર) અને હર્ષદ શાહ (રહે. ચિત્રકૂટ એપાર્ટમેન્ટ, સોલા) હોવાનું જણાવ્યું હતું. પોલીસને આરોપીઓ પાસેથી રોકડા રૂ. એક લાખ મળી આવ્યા હતા, જોકે પોલીસને મોબાઇલ ફોન કે અન્ય વાહન મળી આવ્યાં ન હતાં. પોલીસે મુદ્દામાલ તરીકે માત્ર રકમ જ બતાવી છે કે પછી ખરેખર આરોપીઓ પાસેથી અન્ય કોઈ મુદ્દામાલ મળી નથી આવ્યો તેના પાર સવાલ ઊભા થયા છે.

http://sambhaavnews.com/

You might also like