ગંભીર બાદ હવે યુવીની પણ ટીમમાં એન્ટ્રી થશે?

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયામાં ગૌતમ ગંભીરની વાપસીની સાથે જ સિક્સર કિંગ યુવરાજસિંહ માટે પણ એક સમાચાર વહેતા થયા છે. ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમમાં બે વર્ષ બાદ ઓપનિંગ બેટ્સમેન ગંભીરને એન્ટ્રી મળી છે અને હવે એવું લાગી રહ્યું છે કે વન ડે ટીમમાં યુવરાજ પણ પાછો ફરી શકે છે. બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં લેવાયેલા ફિટનેસ ટેસ્ટમાં ગંભીર અને યુવરાજે ટેસ્ટ પાસ કરી લીધો છે. આવનારા સમયમાં ટીમ ઇન્ડિયા ઘણી ઘરેલુ શ્રેણી રમવાની છે એવામાં બોર્ડ કેટલાક ક્રિકેટર્સને બેકઅપ માટે તૈયાર કરી રહ્યું છે.

ટીમ ઇન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી રમી રહી છે અને ત્યાર બાદ બંને ટીમ વચ્ચે પાંચ મેચની વન ડે શ્રેણી રમાવાની છે. યુવરાજ છેલ્લે દક્ષિણ આફ્રિકા સામે વર્ષ ૨૦૧૩માં વન ડે મેચ રમ્યો હતો, જોકે આ વર્ષે તે ટી-૨૦ ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યો હતો. આ સાથે જ યુવરાજનાં લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. યુવરાજનાં લગ્ન આ વર્ષે ૩૦ નવેમ્બરે તેના હોમટાઉનમાં થશે.

You might also like