રાજસ્થાનનું કોકડું વધુ ગૂંચવાયુંઃ ગેહલોત-પાઇલટ CM બનવા અડગ

નવી દિલ્હી: રાજસ્થાનમાં કોંગ્રેસે વસુંધરા રાજે સરકારને હરાવવામાં ભલે સફળતા મેળવી લીધી હોય, પરંતુ હવે ત્યાંના મુખ્યપ્રધાન નક્કી કરવામાં મોટી મુશ્કેલી ઊભી થઈ છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચીન પાઇલટ અને રાષ્ટ્રીય મહાસચિવ અશોક ગેહલોત બંને સીએમપદ માટે પોતાની દાવેદારીથી હટવા તૈયાર નથી અને જીદે રડ્યા છે.

એવા સંજોગોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અગ્નિપરીક્ષા થઈ રહી છે અને ગઈ કાલે આખી રાત બેઠકોનો દોર ચાલ્યો હોવા છતાં પણ રાહુલ કોઈ નિર્ણય લઈ શક્યા નથી. ગેહલોત અને પાઇલટ આજે પણ રાહુલને ફરી મળશે અને પોતપોતાની રજૂઆતો કરશે તેવું કોંગ્રેસના સૂત્રો જણાવે છે. રાહુલ ગાંધી ઈચ્છે છે કે, મધ્યપ્રદેશની જેમ રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ પક્ષની એકતાનો સંદેશ લોકો સુધી પહોંચે, પરંતુ ખાસ કરીને રાજસ્થાનમાં સ્થિતિ વધુ વણસી છે.

રાજસ્થાનની જેમ છત્તીસગઢમાં પણ મુખ્યપ્રધાન નક્કી કરવામાં કોંગ્રેસને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સાંજ સુધીમાં રાહુલ ગાંધી છત્તીસગઢના સીએમના નામની સત્તાવાર જાહેરાત કરી દે તેવી શક્યતા છે. છત્તીસગઢ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભૂપેશ બઘેલ, વરિષ્ઠ નેતા ટી.એસ. સિંહદેવ અને ચરણદાસ મહંત ત્રણેય નેતાઓને રાહુલ ગાંધીએ આજે દિલ્હી મળવા બોલાવ્યા છે. રાહુલ ત્રણેય નેતાઓ સાથે બેઠક કર્યા બાદ સીએમના નામની જાહેરાત કરી શકે છે.

ગુરુવારે સાંજથી જ રાજસ્થાનમાં ગેહલોતને મુખ્યપ્રધાન બનાવવાની વાત વહેતી થતાં સચિન પાયલટના સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને એક તબક્કે તો ખુદ પાયલટે તેમને શાંતિ જાળવવા અપીલ કરવી પડી હતી. પાઇલટે સમર્થકોને પાર્ટી હાઈકમાન્ડ અને કેન્દ્રીય નેતાગીરી પર વિશ્વાસ રાખવા જણાવી કહ્યું હતું કે, જે નિર્ણય લેવાશે તેનું અમે સ્વાગત કરીશું.

કોંગ્રેસનાં સૂત્રોનો દાવો છે કે સચીન પાઇલટે મુખ્યપ્રધાનપદ માટે રીતસર જીદે ચડીને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેમને અશોક ગેહલોતની આગેવાની મંજૂર નથી. રાહુલ ગાંધી કોંગ્રેસના અનુભવી-વરિષ્ઠ અને યુવા નેતા વચ્ચે કોને પસંદ કરવા તે મુદ્દે ભારે મૂંઝવણમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. મધ્યપ્રદેશમાં તો રાહુલ અને સોનિયા ગાંધીના કહેવાથી યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ વરિષ્ઠ કમલનાથ સામે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી અને માર્ગ મોકળો કરી દીધો, પરંતુ રાજસ્થાનમાં સચીન પાઇલટને મનાવવામાં રાહુલને સફળતા મળી નથી.

પાઇલટે પાર્ટી હાઈકમાન્ડને જણાવ્યું છે કે વર્ષ ર૦૧૪ની લોકસભા ચૂંટણી બાદથી જ તેઓ રાજસ્થાનમાં કોંગ્રેસનો વ્યાપ વધારવાના કામમાં લાગી ગયા હતા. તેમણે નિરાશ થયેલા કાર્યકરોમાં જોમ ભર્યું હતું અને વરિષ્ઠ નેતાઓને પણ સાથે સંકલન સાધીને કોંગ્રેસને સત્તાસ્થાને પહોંચાડી છે. હવે જ્યારે મહેનતનું ફળ મળ્યું છે ત્યારે તેઓ સીએમપદ છોડવા તૈયાર નથી.

You might also like