પવાર અને ગડકરી વચ્ચે ગુપ્ત બેઠક યોજાતાં રાજકીય લોબીઓમાં હલચલ

પુણે: એનસીપીના પ્રમુખ શરદ પવાર એક એવી રાજકીય હસ્તી છે કે તેઓ કોઇ પણ પક્ષના મોટા નેતાને મળે છે તો રાજકીય ચર્ચાઓનું બજાર ગરમ થઇ જાય છે. પુણેમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને એનસીપીના નેતા શરદ પવારની મુલાકાતથી રાજકીય હલચલ મચી ગઇ છે.

પુણેની એક ફાઇવસ્ટાર હોટલમાં નીતિન ગડકરીએ પત્રકારોને સંબોધન કરતાં ભાજપ સરકાર અને ખાસ કરીને તેમના મંત્રાલય દ્વારા ચાર વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલી કામગીરી શેર કરી હતી. ત્યાર બાદ આ જ હોટલમાં ગડકરી અને શરદ પવારની મુલાકાત યોજાઇ હતી. બંને દિગ્ગજ નેતાઓ વચ્ચેની આ ગુપ્ત બેઠકના સમાચાર આગની જેમ પ્રસરી ગયા હતા.

જોકે નોંધપાત્ર વાત એ હતી કે બંને પક્ષના કોઇ પણ નેતાને આ વાતની જાણકારી ન હતી, જોકે ગડકરી અને પવાર વચ્ચેની આ બેઠકમાં નાગપુરની જમીન પર બ્રોડગેજ મેટ્રો બનાવવા અને પુણેથી પંઢરપુર-પાલસી માર્ગના રોકાયેલાં વિકાસકાર્યો સંબંધે વાતચીત થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

બંને વચ્ચે લગભગ ર૦ મિનિટ સુધી ચર્ચા થઇ હતી, જેમાં પુણેના વિકાસને લઇને પણ વાતચીત થઇ હતી, પરંતુ આ ચર્ચા પર અહીં પૂર્ણવિરામ આવી જતું નથી. એક દિવસ અગાઉ જ વિધાનસભા અને લોકસભાની પેેટાચૂંટણીનાં પરિણામો બાદ શુક્રવારે બંને પક્ષના નેતાઓ વચ્ચે આ રીતની ગુપ્ત બેઠક યોજાતાં રાજકીય લોબીમાં હલચલ મચી ગઇ છે.

You might also like