ગાંધી તેરી સાબરમતી મૈલી હો ગઈ !

દેશમાં સ્વચ્છતા અભિયાનની સાથે ગંગા સહિતની નદીઓનું શુદ્ધીકરણ હાથ ધરાયું છે, પરંતુ ગુજરાત રાજ્યની સૌથી મોટી પાંચ નદીઓમાં સ્થાન પામતી અને અમદાવાદ મધ્યેથી પસાર થતી સાબરમતી નદી વધુ ને વધુ ગંદી થઈ રહી છે. શહેર સુંદર દેખાય એ માટે રિવરફ્રન્ટ બની રહ્યો છે પણ નદીમાં જોવા મળતી ગંદકીથી રિવરફ્રન્ટ બેહૂદો દેખાય છે. થેમ્સ નદીના બંને કાઠે વસેલા લંડનમાં થેમ્સ ગળાના હારની જેમ શોભી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એ દૃશ્ય એટલું ગમી ગયું કે તેમણે સાબરમતીને અમદાવાદની થેમ્સ બનાવવા રિવરફ્રન્ટની યોજના ઘડી કાઢી.

બેશક, સ્ફટિક જેવું નિર્મળ પાણી સાબરમતીમાં વહેતું હોય તો રિવરફ્રન્ટનું દૃશ્ય રૂડું લાગે પણ ઉપરવાસમાં બેરોકટોક ઇન્ડસ્ટ્રીઝનો ઝેરી રસાયણો મિશ્રિત કચરો સાબરમતીમાં ઠલવાય છે જેનું પ્રમાણ રિવરફ્રન્ટ પર પણ દેખાય છે. અરે, અમદાવાદથી થોડાક જ કિલોમીટર ઉપરવાસમાં સાબરમતીને જોઈએ તો એમ જ લાગે કે આ નદી નહીં પણ ગટર છે. સરકાર, પ્રજા સૌ કોઈ આ દૃશ્ય રોજ જુએ છે છતાં કોઈને તે ખૂંચતું નથી.

આપણે કેવા કૃતઘ્ની અને દંભી બની બેઠા કે જેમને પ્રકૃતિના પૂજક આપણા વડવાઓએ પૂજ્ય ગણ્યાં તે ગાય, વૃક્ષો, નદી વગેરેની સ્થિતિ દયનીય કરી નાખી છે. ગાયને રસ્તા પર છોડી દીધી, તેના પેટમાં પ્લાસ્ટિક પધરાવ્યું, વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું, જંગલો કાપી નાખ્યાં. નદીઓ ઉપર અતિક્રમણ કર્યું, તેમાં ગટરની ગંદકી વહાવી. આપણા વડવાઓ માટે અધ્યાત્મ પ્રકૃતિ સાથે જોડાયેલું હતું. હવે આપણે એકેય ખૂણેથી પ્રકૃતિના પૂજક રહ્યા નથી તેમ છતાં આપણે આપણા આધ્યાત્મિક વારસાનું મૌખિક ગૌરવ લેતા થાકતા નથી. કેવું વિચિત્ર!

You might also like