જી-૨૦માં ચીન-દ. કોરિયાની બેઠક બાદ ઉ. કોરિયા દ્વારા ત્રણ મિસાઈલનું પરીક્ષણ

પ્યોંગયાંગ (ઉત્તર કોરિયા): ઉત્તર કોરિયાએ ત્રણ બે‌િલસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. દક્ષિણ કોરિયાની ઓફિસના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે આ જાણકારી આપી હતી. અહેવાલો અનુસાર ઉત્તર કોરિયાએ વેસ્ટર્ન રિજિયનના ઈસ્ટ કોસ્ટમાં મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીનમાં જી-૨૦ શિખર સંમેલનમાં દક્ષિણ કોરિયા અને ચીનના નેતાઓની બેઠકના થોડા કલાક બાદ જ ઉત્તર કોરિયાએ ત્રણ બે‌િલસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાએ જુલાઈથી સપ્ટેમ્બર સુધી સાત મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. આ અગાઉ ૨૭ ઓગસ્ટના રોજ મિસાઈલ પરીક્ષણના સમાચાર મળ્યા હતા. એ જ રીતે ૧૯ જુલાઈના રોજ પણ ત્રણ બે‌િલસ્ટિક મિસાઈલનું પરીક્ષણ ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવ્યુ હતું.

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગના આ નિર્ણયથી ચીન ખફા છે. દક્ષિણ કોરિયા અને જાપાન પણ ઉત્તર કોરિયા દ્વારા મિસાઈલના પરીક્ષણ સામે વાંધો અને વિરોધ કરી ચૂક્યા છે. ૨૦ થી ૨૨ ઓગસ્ટ દરમિયાન સબમરીનથી લોંચ કરાયેલ મિસાઈલના સફળ પરીક્ષણ બાદ સરમુખત્યાર કિમ જોંગે ઉત્સવ મનાવ્યો હતો. આ પરીક્ષણના અહેવાલો અને તસવીરો કોરિયાની  સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી દ્વારા જારી કરવામાં આવ્યાં છે.

You might also like