વાયદાના કારોબારીઓની હવે હાજર બજારમાં એન્ટ્રી!

અમદાવાદ: ચણાના વાયદામાં નવા કોન્ટ્રાક્ટ ઉપર સેબીએ રોક લગાવી છે. કોમોડિટી કારોબારીઓના જણાવ્યા પ્રમાણે સેબીના આ નિર્ણયથી ‘ઘોડો તબેલામાંથી છૂટી ગયા પછી તાળાં માર્યાં’ જેવો ઘાટ સર્જાયો છે. વાયદા બજારમાં વધતા ભાવને અંકુશમાં મૂકવા માર્જિન લગાવવા છતાં ચણાના વાયદાના ભાવમાં પાછલા ત્રણ મહિનામાં ૬૦ ટકાથી વધુ ઉછાળો નોંધાયો છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે એક બાજુ હાજર બજારમાં સ્ટોક સીમિત છે તો બીજી બાજુ સામે શ્રાવણ તથા દિવાળીના તહેવારો આવી રહ્યા છે. ચણાની દાળના મિલરોની માગ ઊંચી છે ત્યારે કોરોબારીઓ હાજર બજારમાં એન્ટ્રી મારી શકે છે તથા સ્ટોક જમા કરી સંગ્રહખોરીનો કારોબાર કરે તેવી શક્યતા કોમોડિટી કારોબારીઓ દ્વારા વ્યક્ત કરાઇ રહી છે.

સ્થાનિક હાજર બજારમાં ત્રણ મહિનામાં ચણાના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો નોંધાઇ ચૂક્યો છે. હાલ રિટેલ બજારમાં ચણા ૯૦થી ૧૧૦ની વચ્ચે પ્રતિકિલોએ વેચાઇ રહ્યા છે. દરમિયાન વધતા ભાવને અંકુશમાં મૂકવા સેબીએ વર્તમાન રોકાણકારોને ચણા વાયદામાં પોઝિશન સમેટવા કહ્યું છે. ચણાના વર્તમાન કોન્ટ્રાક્ટમાં કોઇ નવી પોઝિશન નહીં બનાવી શકાય.

You might also like