લાડકા શ્વાન ‘લાલુ’ને વેપારીઅોઅે ભારે હૈયે અંતિમ વિદાય અાપી

અમદાવાદ: કળિયુગમાં મતલબી બનતા જતા સમાજમાં ઘણી વખત કેટલાક માનવ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા કોઇ આગળ આવતું નથી. ત્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા કર્ણાવતી પગરખાં બજારના વેપારીઓએ છેલ્લા નવ વર્ષથી સ્વજન જેવા બની ગયેલો શ્વાન મૃત્યુ પામતાં તેની અંતિમયાત્રા કાઢી તેના વિધિવત્ રીતે અંતિમ સંસ્કાર કર્યા હતા.

મોટાભાગે શેરીના શ્વાનને લોકો લાતો અને લાકડીઓ મારીને કાઢી મૂકતા હોય છે. આવા શેરીના શ્વાનોને પ્રેમ આપવાના કિસ્સાઓ પણ જોવા મળતા હોય છે. વસ્ત્રાપુર વિસ્તારના માનસી સર્કલ પાસે આવેલા કર્ણાવતી પગરખાં બજારમાં આવેલી 36 દુકાનોના વેપારીઓનો રખડતા શ્વાન પ્રત્યેનો એક અલગ પ્રેમ જોવા મળ્યો છે. ગઇ કાલે આ શ્વાનનું મોત થતાં તેને વાડજ સ્મશાનગૃહમાં દફનાવી અંતિમ વિદાય અપાઈ હતી.

કર્ણાવતી પગરખાં બજારના વેપારી અનીલ કુરીલે જણાવ્યુ છેકે વર્ષ 2006માં રખડતો શ્વાન મૌલિક આર્કેડમાં આવેલી કર્ણાવતી પગરખાં બજાર પાસે આવીને રહેવા લાગ્યો. ધીમે ધીમે આ શ્વાન વેપારીઓનો લાકડો બની ગયો. વેપારીઓએ તેનું નામ લાલુ પાડ્યું અને વેપારીઓ તેને જમવાનું આપતા હતા. કોઇપણ જગ્યાએ તેણે ગંદકી કરી ન હતી. જો તેને જમવાનું આપવામાં મોડુ થઇ જાય તો તે રીસાઇ જતો હતો અને તેને મનાવવા માટે જવું પડતું હતું. 9 વર્ષમાં કોઇપણ ગ્રાહક સામે ભસ્યો નથી કે કરડવા પણ દોડ્યો નથી. ગઇ કાલે તેનું મોત થતાં વેપારીઓને આઘાત લાગ્યો હતો. પંરતુ એક ઘરના સદસ્ય હોય તેમ તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. બીમાર લાલુની વેટરનરી ડોક્ટર દ્વારા સારવાર કરવામાં અાવી રહી હતી. પાસે તપાસ કરાવતાં તેનું મોત થયું છે. તેથી વેપારીઓએ ફુલહારથી તેને વિદાય આપીને લાલુને હંમેશાં માટેની યાદો દિલમાં ભરી દીધી છે.

You might also like