દુલહને મંડપમાં જતાં પહેલાં મૂકી અનોખી શરત

ચંડીગઢઃ હરિયાણામાં એક દુલહને એ સમયે લોકોને ચોંકાવી દીધા જ્યારે મંડપમાં જતાં પહેલાં તેણે કહ્યું કે તે લગ્ન પહેલાં પોતાના થનારા પતિ પાસે એક પ્રતિજ્ઞા લેવડાવવા ઇચ્છે છે. જોકે દુલહને પોતાની શરતનો ખુલાસો કરીને ત્યાં હાજર તમામ લોકોનું દિલ જીતી લીધું.

ભિવાનીના બિલાવલ ગામની રહેવાસી પૂનમે પોતાના દુલહા સંદીપકુમાર સાથે લગ્નના ફેરા લેતાં પહેલાં શરત રાખી કે તે ૧૧ જરૂરિયાતમંદ છોકરીઓના ભણતરનો ખર્ચ ઉઠાવશે. સંદીપ એક કોચિંગ સેન્ટર ચલાવે છે. તેણે આ વાત માટે તરત હા કહી દીધી.

પૂનમે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે અને તે સંજય રામપાલ નામના સામાજિક કાર્યકર્તાની સાથે કામ કરે છે. પૂનમે કહ્યું કે તેણે થોડાં વર્ષો પહેલાં ભિવાનીમાં રેડક્રોસના એક અધિકારી અંગે સાંભળ્યું હતું જેણે કન્યા ભ્રૂણહત્યા વિરુદ્ધ લગ્નમાં આઠમો ફેરો લીધો હતો. પૂનમે કહ્યું કે તે પોતે એવું કંઇક કરવા ઇચ્છતી હતી જેના કારણે લોકોની જિંદગી બદલાઇ જાય.

You might also like