ફૂમતાંની ફેશનનું યુવાનોને આકર્ષણ

‘તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે, મને ગમતું રે…’ વીર માંગડાવાળા ફિલ્મનું જાણીતું ગીત છે આ. અવિનાશ વ્યાસે સંગીત આપ્યું છે આ ફિલ્મમાં. ફેશનમાં ફિલ્મની વાત સાંભળીને વિચારમાં પડી ગયાને! વાત ફિલ્મની નહીં પણ ફૂમતાંની કરવાની છે. કહેવાય છે કે ફેશન સમયાંતરે પુનરાવર્તિત થતી જ હોય છે. એવું જ ફૂમતાંના કેસમાં થયું છે. વસ્ત્રો હોય, પર્સ હોય કે પછી પગરખાં, ફૂમતું હવે ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે.

કુરતી હોય કે બ્લાઉઝ બેક સાઇડ દોરીની સાથે ફૂમતું રાખવાનો ટ્રેન્ડ તો પ્રચલિત હતો જ પણ હવે નેક ડિઝાઇનમાં ફૂમતાંનો ઉપયોગ થાય છે. નેક ડિઝાઇન, સ્લીવ ડિઝાઇન અને સાઇડ ડિઝાઇનમાં ફૂમતાં લગાવવાથી કુરતીને થોડો હટકે ટચ આપી શકાય છે. રંગબેરંગી ફૂમતાંની ખાસિયત એ છે કે તે કુરતીને કલરફુલ ટચ આપે છે સાથે જ વજનમાં હલકાં હોવાને કારણે તે કુરતીને વજનમાં હેવી નથી બનાવતાં. ઘણી વાર એવું થતું હોય છે કે લટકણનો ઉપયોગ કરવાથી કુરતીને હેવી ટચ તો મળે જ છે પણ સાથે જ કુરતી પણ વજનમાં હેવી(વજનદાર) બની જતી હોય છે.

જો વાત કરીએ પગરખાંની તો ફૂમતાંવાળાં પગરખાંએ પણ યુવાનોમાં આકર્ષણ ઊભું કર્યું છે. વિવિધ ડિઝાઇન અને સ્ટાઇલનાં સેન્ડલ, મોજડી અને ચંપલમાં ફૂમતાં કેન્દ્રસ્થાને જોવા મળે છે. એવી જ રીતે ફૂમતાંવાળી હેન્ડબેગ, ક્લચ, વૉલેટ અને બેકપેક યુવતીઓમાં ઇન ટ્રેન્ડ છે. જો સમગ્ર પર્સમાં ફૂમતાંની ડિઝાઇન નહીં હોય તો ક્યાંક ને ક્યાંક લટકણ તરીકે પણ ફૂમતાંનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. ફૂમતાંની બીજી ખાસિયત એ છે કે તે વસ્તુને એથનિક ટચ આપે છે અને એટલે જ આર્ટિફિશિયલ જ્વેલરીમાં ફૂમતાં જોવા મળે છે. કાનની બુટ્ટીઓ, ગળાનો હાર અને હાથનાં કડાંમાં ફૂમતાં વાપરવામાં આવે છે. કલરફુલ હોવાને કારણે ફૂમતાંનો ઉપયોગ થયો હોય તેવી જ્વેલરી, હેન્ડબેગ અને પગરખાં કોઇ પણ વસ્ત્રો સાથે મેચ થઇ જાય છે. એક જ રંગના ફૂમતાં અને મિસમેચ ફૂમતાં બંને ટ્રેન્ડમાં છે.

જોકે, ફૂમતાંના ઉપયોગમાં હંમેશાં એક વાતની તકેદારી રાખવી જરૂરી છે કે તેનો રંગ ન નીકળે. જો રંગ નીકળે તેવાં ફૂમતાંવાળી કુરતી લેશો તો કુરતી ધોયા બાદ ફૂમતાંનો રંગ કુરતી પર લાગશે. ઘણાં લોકો ફૂમતાંને જ ઝાલર તરીકે ઓળખતાં હોય છે. જોકે, ફૂમતાં અને ઝાલરમાં તફાવત છે. ઝાલરની ડિઝાઇનમાં ઘણી બધી પટ્ટીઓ હોય છે જ્યારે ફૂમતાંમાં રેસાઓનો સમૂહ હોય છે. આ ઉપરાંત ફૂમતાં ઊન ને રેશમની દોરીનાં બનેલાં હોય છે, જ્યારે ઝાલર વિવિધ પ્રકારનાં મટીરિયલમાંથી બનાવવામાં આવે છે.

કાદંબરી ભટ્ટ

You might also like