ફ્લોરિડામાં ઓનલાઈન ગેમ ટૂર્નામેન્ટમાં હારથી નારાજ યુવકનું ફાયરિંગ: ત્રણ લોકોનાં મોત

ફ્લોરિડા: ફ્લોરિડાના જેક્શનવિલ સ્થિત એક એન્ટરટેન્મેન્ટ કોમ્પ્લેક્સમાં થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં હુમલાખોર સહિત ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે અને લગભગ ૧૧ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

ઓનલાઈન વીડિયો ગેમ ટૂર્નામેન્ટ દરમિયાન આ ચોંકાવનારી ઘટના બની હતી. ૨૪ વર્ષીય હુમલાખોર ડેવિડ કેટ્જ ગેમિંગ ટૂર્નામેન્ટમાં સતત હારથી નારાજ હતો અને આ કારણે તેણે ફાયરિંગ કર્યું હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.

રોષે ભરાયેલા ડેવિડે પહેલાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું અને બાદમાં ખુદને પણ ગોળી મારી દીધી હતી. જેક્સનવિલે શેરિફ ઓફિસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, હુમલાખોરની ઓળખ ૨૪ વર્ષીય ડેવિડ કેટ્જ તરીકે કરવામાં આવી છે.

ઘટનાસ્થળ પરથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. ડેવિડની લાશ નજીકથી એક ગન પણ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, જેક્સનવિલે લેન્ડિંગ કોમ્પ્લેક્સમાં ઘણા ગેમ ઝોન, ૨૦થી વધુ રેસ્ટોરાં અને ૭૦ સ્ટોર આવેલા છે. આ ઘટના જીએલએચએફ ગેમ બારમાં બની હતી.

આ ગેમ બારમાં એક મેઈડન ૧૯ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાઈંગ રાઉન્ડ ચાલી રહ્યો હતો. ગેમિંગ ટૂર્નામેન્ટનું આયોજન કરનારી કંપની ઈએ સ્પોર્ટ્સે જણાવ્યું હતું કે, આ કેસમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે મળીને કામગીરી થઈ રહી છે.

આ કંપની સાથે દુનિયાભરના લગભગ ૨૫ કરોડથી પણ વધુ ખેલાડીઓ જોડાયેલાં છે. પોલીસે આપેલી માહિતી અનુસાર હાલ સ્વોટ (સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેકટિક્સ)ની એક ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે અને લોકોનાં નિવેદનો લેવાઈ રહ્યા છે.

ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શી ડિરિની ગોજ્કાએ જણાવ્યું કે, એક ગોળી મારા અંગૂઠામાં લાગી હતી. હું સહંજ માટે બચી ગયો હતો. ઓચિંતા ગોળીબારથી ગેમ બારમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ફ્લોરિડામાં આ વર્ષે ફાયરિંગની આ બીજી ઘટના બની છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં ફ્લોરિડાની એક હાઈસ્કૂલમાં એક બંદૂકધારી હુમલાખોરે ૧૭ લોકોની હત્યા કરી હતી. મૃતકોમાં સ્કૂલનાં બાળકો અને શિક્ષકો પણ સામેલ હતા.

આ ઘટના બાદ આખા અમેરિકામાં ગન કલ્ચરની આકરી ટીકાઓ થી હતી અને હથિયાર અંગે કડક કાયદો લાવવાની માગણી પણ ઊઠી હતી.

You might also like