ટીનેજરે નોટોનું બંડલ આપવાનું કહીને વૃદ્ધાના દાગીના સેરવી લીધા

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં આવેલ દાસ્તાન ફાર્મ પાસે એક વૃદ્ધ મહિલાને ૫૦૦ની નોટોનું બંડલ આપવાનું કહીને ટીનેજર સહિત એક યુવકે ૧.૩૫ લાખ રૂપિયાના દાગીના સેરવી લેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
નરોડામાં આવેલા ડાહ્યાલાલ પાર્ક સોસાયટીમાં રહેતા 65 વર્ષિય કૈલાસબહેન વાસુદેવભાઇ જોશી ગઇ કાલે સવારે હરિદર્શન સર્કલ ખાતે એમટીએસ બસમાં બેસવા માટે તેઓ બસસ્ટેન્ડ પર બેઠાં હતાં. દરમિયાનમાં અગિયાર વાગ્યાની આસપાસ ૧૨ વર્ષનો ટીનેજર કૈલાસબહેન પાસે આવ્યો હતો અને તેમને જણાવ્યું હતું કે મારા શેઠે મને નોકરી માંથી કાઢી મૂકેલ છે. કાપડમાં વીંટાડેલું ૫૦૦ના નોટનું બંડલ કૈલાસબહેનને બતાવ્યું હતું અને તે બંડલ શેઠ પાસેથી ચોરીને કરીને લાવ્યો હોવાનું ટીનેજરે કહ્યુ હતું. દરમિયાનમાં એક ૨૨ વર્ષિય યુવક કૈલાસબહેન પાસે આવ્યો હતો અને કહ્યુ હતું કે માજી આપણે બંને આ છોકરાની મદદ કરીને આપણે તેની પાસેનું પૈસા ભરેલું બંડલ લઇએ…કૈલાસબહેન યુવકની વાત પર વિશ્વાસ કરીને એક રિક્ષામાં બેસી ગયાં હતાં. ટીનેજરે ચપળતાપૂર્વક કૈલાસબહેનની સોનાની બંગડી તેમજ બુટ્ટીઓ કઢાવી લીધી હતી અને પર્સમાં મુકાવી દીધી હતી. ત્યારબાદ ત્રણેય જણા દાસ્તાન ફાર્મ ઊતરી ગયાં હતાં અને અન્ય એક શટલ રિક્ષામાં બેસીને ઓઢવ તરફ જતા હતા ત્યારે ટીનેજરે કૈલાસબહેનને કહ્યું હતું કે હું તમને આ રૂપિયાનું બંડલ આપવા માગુ છું. તમારો દાગીના ભરેલો થેલો આ યુવકને સંભાળવા માટે આપી દો.

વિશ્વાસમાં આવીને દાગીના ભરેલો થેલો કૈલાસબહેને યુવકને આપી દીધો હતો અને પૈસા ભરેલું બંડલ લઇ લીધી હતું. દરમિયાનમાં તકનો લાભને દાગીના ભરેલો થેલો લઇને યુવક ગાયબ થઇ ગયો હતો ત્યારે ટીનેજર પણ ભાગી ગયો હતો. કૈલાસબહેને રૂપિયા ભરેલું બંડલ ખોલીને જોતાં તેમાં ૫૦૦ના દરની નહીં પરંતુ ૫૦ના દરની નોટો હતી.

You might also like