જેમના મસ્તક પર પૃથ્વી સ્થિર છે તે ભગવાન શેષનાગ

જે નાગદેવના હજાર ફણાં છે તે નાગદેવનું નામ ભગવાન શેષનાગ છે. ભગવાન શેષનાગ સાંભળતાં જ પ્રત્યે હિંદુના નેત્ર સમક્ષ હજાર માથાંવાળા ભગવાન શેષનું ચિત્ર ઊભું થઇ જાય છે. ભગવાન વિષ્ણુ શેષનાગ ઉપર જ સમુદ્રમાં શયન કરતા હોય છે. વિષ્ણુ ભકતો સહિત આપણે સૌ આ ચિત્ર વખતો વખત જોયું પણ છે.

ભગવાન શ્રી કૃષ્ણના પિતા વાસુદેવ શ્રીકૃષ્ણનો જન્મ થતાં જ કારાગૃહમાંથી તેમને લઇ પોતાના બાળસખા નંદરાયને ત્યાં ભગવાનને મૂકવા ગોકુળ જાય છે. તે વખતે રસ્તામાં જમના નદી આવે છે. જમનાજી ગાંડાંતુર બનેલાં છે. શ્રી કૃષ્ણને ટોપલામાં ગોઠવી વાસુદેવ જમુનાજીમાં ઊતરે છે. તેમનો પગ પાણીમાં પડતાં જ ઊછળતાં પાણી તેમનાં ચરણસ્પર્શ કરવા લાલાન્વિત થઇ ગયાં. તે વખતે શ્રીકૃષ્ણ ઉપર જળ ન પડે તે માટે ભગવાન શેષનાગ તેમના મસ્તક ઉપર છત્ર થઇને સાથે ચાલવા લાગ્યા. આમ ભગવાન શેષનાગ તથા ભગવાન વિષ્ણુ એકબીજાના પ્રાણ જ છે.

ભગવાન શેષનાગે પોતાના મસ્તર ઉપર પૃથ્વી આજે પણ ધારણ કરેલી છે. જે પૃથ્વીને સહેજ પણ ડગવા દેતા નથી તેઓ સર્પ જાતિના છે. છતાં તેમનું સ્વરૂપ દેવતા જેવું છે. તેમનું શરીર લીલા રંગથી સદાય ઢંકાયેલું જ રહે છે. તેમને હજાર માથાં છે. કહેવાય છે કે પૃથ્વીનાે નાશ અર્થાત પ્રલય થાય છે ત્યારે ભગવાન શેષ નારાયણ જ પૃથ્વીને બચાવે છે. જ્યારે બ્રહ્માજીનું આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે ફકત અને ફકત ભગવાન શેષ નારાયણ જ સમગ્ર પ્રજાને બચાવે છે.

http://sambhaavnews.com/

You might also like