આજથી પ્રો-કબડ્ડી લીગ સિઝન-પ માટે ૪૦૦ ખેલાડીઓની બોલી બોલાશે

નવી દિલ્હી: પ્રો-કબડ્ડી લીગ (પીબીએલ) સિઝન-પ માટે ખેલાડીઓની બોલી આજથી શરૂ થનાર છે. ખેલાડીઓની આ હરાજી બે દિવસ સુ‌ધી ચાલશે. આ ઓક્શનમાં ૪૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેેશે, તેમાં ૧૩૧ યુવા પ્રતિભાશાળી ખેલાડીઓ પણ હશે, જેમને નવી પ્રતિભાની શોધ માટે સ્ટાર સ્પોર્ટ્સ તરફથી આયોજિત ટેલેન્ટ હન્ટ અભિયાન હેઠળ પસંદ કરવામાં આવ્યા છે.

આ વખતે પ્રો-કબડ્ડી લીગે પોતાના મુખ્ય સ્પોન્સરર તરીકે ચીનની મોબાઇલ ઉત્પાદક કંપની વીવોને પસંદ કરી છે. પાટનગર નવી દિલ્હીની ગ્રાન્ડ ગ્રીન હોટલમાં યોજાનારી આ ઓક્શન પ્રક્રિયામાં છેલ્લી ચાર સિઝનથી રમતી આઠ ટીમો-પટના પાઇરેટ્સ, બેંગલુરુ બુલ્સ, જયપુર પિન્ક પેન્થર, પુનેરી પલ્ટન, દબંગ દિલ્હી, તેલુગુ ટાઇટન્સ, બંગાલ વોરિયર્સ અને યુ-મુમ્બા ઉપરાંત ચાર નવી ટીમો-ચેન્નઇ, હરિયાણા, અમદાવાદ અને લખનૌ પણ બોલી લગાવશે.

પ્રો-કબડ્ડી લીગ સિઝન-પમાં સામેલ થયેલ ટીમોના માલિકોની પણ જાહેરાત થઇ ચૂકી છે, જેમાં ચેન્નઇ ટીમના માલિક એન. પ્રસાદ અને મહાન ભારતીય બેટ્સમેન સચીન તેંડુલકર છે. અમદાવાદ ટીમની માલિકીના હક અદાણી ગ્રૂપ પાસે છે. લખનૌ ટીમની માલિકીના હક જીએમઆર ગ્રૂપના હાથમાં છે, જ્યારે હરિયાણાની ટીમની માલિકીના હક જે.એસ.ડબ્લ્યુ ગ્રૂપ પાસે છે. આ ચાર ટીમોની સાથે જ લીગમાં હવે કુલ ૧ર ટીમ થઇ ગઇ છે. ટીમની સંખ્યામાં વધારો થવાની સાથે જ ૧૩ અઠવાડિયાં સુધી ચાલનારી આ લીગમાં હવે ૧૩૦ મેચ રમાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સિઝન માટે જૂની આઠ ટીમો એક-એક ખેલાડીને રિટેઇન કરી શકે છે. આ મુજબ યુ-મુમ્બાએ પોતાના કેપ્ટન અનુપને રિટેઇન કર્યા છે. તેલુગુ ટાઇટન્સે કેપ્ટન રાહુલ ચૌધરી, પટના પાઇરેટ્સે પોતાના મહત્ત્વના યુવાન ખેલાડી પ્રદીપ નરવાલ, દબંગ દિલ્હીએ કેપ્ટન મીરાજ શેખ, બંગાલ વોરિયર્સે દ‌િક્ષણ કોરિયાના કબડ્ડી ખેલાડી ચાંગ કુન લીને રિટેઇન કર્યા છે.

http://sambhaavnews.com/

You might also like