આજથી તમામ પ્રકારના બાંધકામની પરવાનગી માટે ઓનલાઇન અરજી કરવી ફરજિયાત

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિતની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં બાંધકામની પરવાનગી ઓનલાઇન આજથી ફરજિયાત કરાઇ છે. જેના કારણે હવે અરજદારોએ બાંધકામની મંજૂરી માટે કોઇ પણ ઓથોરિટીમાં રૂબરૂ ધક્કા ખાવા પડશે નહીં એટલું જ નહીં કામગીરી પણ પેપરલેસ થશે.

જો અરજદારે રજૂ કરેલા ડોકયુમેન્ટસ જો પૂરતા અને યોગ્ય હશે તો તેને ર૪ કલાકમાં જ બાંધકામ પરવાનગીની રજાચિઠ્ઠી મળી જશે. ઓનલાઇન બાંધકામની અરજી આઇએફપી પોર્ટલ પર કરવાની રહેશે. ઓછામાં ઓછા ર૪ કલાક અને વધુમાં વધુ ૪૮ કલાકમાં અરજદારને રજાચિઠ્ઠી અથવા ખૂટતા ડોકયુમેન્ટસ અંગેનો જવાબ ઓનલાઇન મળી જશે.

આજથી રાજ્યભરની કોઇ પણ ઓથોરિટીમાં મેન્યુઅલી ફાઇલ સ્વીકારવામાં નહીં આવે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડા દ્વારા બાંધકામની પરવાનગી ઓનલાઇન કરવાની પ્રક્રિયા માટે આર્કિટેકચર સાથે એક બેઠક યોજાઇ હતી. જેમાં તમામ પ્રક્રિયા અંગેનું માર્ગદર્શન અપાયું હતું.

ઓટોકેડ સહિતના વિકલ્પનો ઉપયોગ કરી શકાય તેવા વિકલ્પો પણ કરાયા હતા. શનિવારે આ અંગે ટ્રાયલ પ્રોજેકટ હાથ ધરાયા હતા. શરૂઆતમાં સર્વર ડાઉન સહિતના પ્રશ્નો ઊભા થયા હતા. જેને સુધારી લેવામાં આવ્યા હતા.

You might also like