૧૮થી ૨૫મી સુધીમાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત કરાશે

અમદાવાદ: નવા ભાજપ પ્રદેશ પ્રમુખ વરણી અંગે લાંબા સમયથી તર્ક વિતર્કો ઉઠી રહ્યા છે, પરંતુ હાલના પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં આગામી તા. ૧૮થી ૨૫ જાન્યુઆરી સુધીમાં નવા પ્રમુખની જાહેરાત કરી દેવાશે તેવી સ્પષ્ટપણે જાહેરાત કરતા તમામ પ્રકારની ચર્ચાઓ પર પડદો પડી ગયો છે.

ગુજરાત ભાજપમાં મંડળ-વોર્ડ સ્તરની અંદર નાનું કામ હાથ ધરાયું છે. ગઈ કાલે અમદાવાદ શહેરમાં કુલ ૬૪ વોર્ડ પૈકી ૩૪ વોર્ડના નવા પ્રમુખની નામની જાહેરાત કરાઈ હતી. શહેર સંરચના અધિકારીને ૫૦ ટકા વોર્ડમાં સર્વસંમતિથી પ્રમુખની વરણી કરવામાં સફળતા મળી છે.

દરમિયાન પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુએ પત્રકારો સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે હાલમાં મંડળ વોર્ડ સ્તરની સંરચનાની કામગીરી ચાલે છે. ઉત્તરાયણ બાદ જિલ્લા સ્તરની સંરચનાની કામગીરી હાથ પર લેવાશે અને તા. ૧૮થી ૨૫ જાન્યુઆરી સુધીમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી કરાશે.

નવા પ્રદેશ પ્રમુખની વરણી માટે દિલ્હીથી નિરિક્ષકો આવશે. ગુજરાત ભાજપે નિરિક્ષકો માટે સમય માંગ્યો છે. નિરિક્ષકોની હાજરીમાં નવા પ્રમુખની પસંદગી કરાશે તેમ પણ પ્રદેશ પ્રમુખ ફળદુએ વધુમાં જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે આગામી ડિસેમ્બર, ૨૦૧૭માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના નવા પ્રદેશ પ્રમુખની પસંદગી કરાશે. જોકે નવા પ્રમુખની મહંદશે ઓબીસી સમાજ અથવા તો પાટીદાર સમાજમાંથી કરાશે.

જોકે કેટલાક વર્તુળોમાં ભાજપના નવા પ્રદેશ ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરનારા હશે તેવી પણ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. અલબત્ત નવા પ્રદેશ પ્રમુખ અંગે હજુ પણ ભારે અનિશ્ચિતતાનો માહોલ છે. ભાજપના  રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની અમદાવાદ મુલાકાત અને આજે સાંજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે બેઠકોની બોલાવેલી અમદાવાદીના પગલે નવા પ્રમુખનો મુદ્દો પુનઃ ભાજપમાં ચર્ચાસ્પદ બન્યો છે.

You might also like