Facebook પર ફ્રેન્ડશિપ કરીને યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનુંં કૃત્ય આચર્યું

અમદાવાદ: ફેસબુક પર ફ્રેન્ડશિપ કરીને એક યુવકે બીજા યુવક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને તેને બ્લેકમેઈલ કર્યા બાદ અનેક વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં યુવકે ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે.

સરખેજમાં રહેતા અબ્દુલ (નામ બદલેલ છે) નામના યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હૈદરઅલી કુરેશી વિરુદ્ધમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે અબ્દુલને છ મહિના પહેલાં ફેસબુક પર હૈદરઅલી (રહે. બહેરામપુરા કેલિકો મિલ પાસે) નામના યુવક સાથે ફ્રેન્ડશિપ થઇ હતી. અવારનવાર ફેસબુક મેસેન્જરમાં બન્ને જણા વાતચીત કરતા હતા તે સમયે હૈદરઅલીએ અબ્દુલનો મોબાઇલ નંબર માગ્યો હતો. અબ્દુલે મોબાઇલ નંબર આપતાં બન્ને જણા મોબાઇલ ઉપર વાતચીત કરવા લાગ્યા હતા.

સપ્ટેમ્બર ૨૦૧૭ના અંતમાં હૈદરઅલીએ અબ્દુલને તેના ઘરે બોલાવ્યો હતો. સાંજે છ વાગ્યાની આસપાસ અબ્દુલ હૈદરઅલીના ઘરે ગયો હતો. જ્યાં બન્ને જણાએ સેક્સની વાતો શરૂ કરી હતી. દરમિયાનમાં હૈદરઅલીએ અબ્દુલ સાથે જબરજસ્તી કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

ત્રણ ચાર દિવસ પછી હૈદરઅલીએ અબ્દુલને ફોન કરીને ફરીથી ઘરે બોલાવ્યો હતો જોકે અબ્દુલે આવવાનો ઇન્કાર કરી દીધો હતો. અબ્દુલે ઘરે આવવાની ના પાડતાં હૈદરઅલીએ ધમકી આપી હતી અને તારી સાથે આચરેલું સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યની વીડિયો ક્લિપ અને ફોટા તારા ઘરે, ઓફિસે અને મિત્રોને બતાવી દઇશ.

હૈદરઅલીએ વધુમાં ધમકી આપી હતી કે તું નહીં આવે તો તારા પર એસિડ એટેક કરીને તને કિડનેપ કરાવી લઇશ. હૈદરઅલીએ ધમકીઓ આપી હોવા છતાંય તે અબ્દુલને ફોન કરીને મળવા માટે બોલાવતો હતો. અબ્દુલ માફી માંગવાના બહાને હૈદરઅલીને મળવા માટે રિવરફ્રન્ટ લઇ ગયો હતો.

હૈદરઅલી યેનકેનપ્રકારેણ ધમકીઓ આપીને અબ્દુલને રાતે ૧૧ વાગ્યા પછી ઘરે બોલવાતો હતો અને આખી રાત તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. છેલ્લા છ મહિનામાં હૈદરઅલીએ અબ્દુલ સાથે ૧૨થી ૧૩ વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

હૈદરઅલી હજુ પણ અબ્દુલનો પીછો છોડતો નહીં હોવાથી થોડાક દિવસો પહેલાં તેણે દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી જેમાં સરખેજ પોલીસ જાણવાજોગ ફરિયાદ કરી હતી. હૈદરઅલીએ વારવાર અબ્દુલ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં કાગડાપીઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like