મિત્રએ ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી સંબંધ બાંધવા દબાણ કર્યું

અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં રહેતી યુવતીને તેના મિત્રએ ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. મિત્રતા તોડી નાખવા છતાં પીછો કરી હેરાન-પરેશાન કરતો હતો.

આથી યુવતીએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. પોલીસ સમક્ષ માફી માગવા છતાં પરેશાન કરતાં યુવતીએ ફરિયાદ નોંધાવતાં વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપી યુવકને ઝડપવા તજવીજ શરૂ કરી છે.

મિત્રતાનો ફાયદો ઉઠાવી યુવતી પર ગેંગ રેપ અને બ્લેકમે‌િલંગની ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે એવામાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતી યુવતી સાથે તેના જ મિત્રે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હોવાની ઘટના બની છે.

સેટેલાઇટ વિસ્તારમાં રહેતી અને કોલેજના ત્રીજા વર્ષના અભ્યાસ કરતી જિયા (નામ બદલેલ છે) એ-વન સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની મિત્ર મારફતે સ્કૂલની બહાર મિત્રો સાથે બેસતા અક્ષય શ્રીમાળી (રહે. ભોઈવાડાની પોળ, દિલ્લી ચકલા) સાથે મિત્રતા થઇ હતી. કોલેજમાં પણ આવતાં-જતાં તેની સાથે વાતચીત થતી હતી. અક્ષયનું વર્તન સારું ન લાગતાં જિયાએ મિત્રતા તોડી નાખી હતી.

મિત્રતા તોડી નાખવા છતાં અક્ષય કોલેજની બહાર આવ-જા કરી તેને પરેશાન કરતો હતો અને એક્ટિવા રોકી જબરદસ્તી વાતચીત કરવા તથા બહાર ફરવા માટે જણાવતો હતો. મોડી રાતે ફોન કરીને તેમજ વોટ્સએપ પર મેસેજ કરીને હેરાન કરતો હતો.

આ બાબતે જિયાએ અક્ષયનાં માતા-પિતા અને મામાને ફોન કરીને જણાવ્યું હતું, છતાં હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. એક વર્ષ અગાઉ થલતેજ નજીક જિયાને હેરાન કરતાં તેણે મહિલા હેલ્પલાઈનની મદદ માગી હતી. પોલીસ આવતાં અક્ષયે માફી માગી લેતાં તેને જવા દીધો હતો.

૧૧ જૂને સેટેલાઈટની નારાયણગુરુ સ્કૂલ પાસે રોકી અક્ષયે જિયાને લાફો મારી દીધો હતો, જે બાબતે જિયાએ સેટેલાઈટ પોલીસમાં અરજી પણ કરી હતી. આ ઘટનાના બીજા દિવસે રાજપથ ક્લબમાં જિયા ટેબલ ટેનિસ રમવા ગઈ ત્યારે અક્ષયે ત્યાં આવીને જણાવ્યું હતું કે મારી સાથે વાતચીત કર, નહિ તો બદનામ કરી દઈશ.

તારા ફોટા મારી પાસે છે. તું મારી સાથે શારીરિક સંબંધ બાંધ, નહિ તો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દઈશ. આવી ધમકી આપતાં જિયાએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો, જેથી અક્ષય ત્યાંથી નાસી ગયો હતો. ૧૬ જૂનના રોજ અક્ષયે તેના મોબાઈલ ફોનના સ્ટેટસમાં જિયાનો ફોટો મૂકી વાઈરલ કરી દીધો હતો.

You might also like