સામાન્ય બોલાચાલીમાં મિત્રઅે મિત્ર પર છરીના ઘા ઝીંકી દીધા

અમદાવાદ: શહેરમાં ચાલી રહેલા હત્યાના સિલસિલામાં વધુ એક ઉમેરો થયો છે છેલ્લા દોઢ મહિનામાં શહેરમાં હત્યાના ૨૧ બનાવો નોંધાયા છે. ચાલુ મહિને ત્રીજી હત્યાનો બનાવ ગઇ કાલે મોડી રાતે ઇનસપુર વિસ્તારમાં આવેલા મિલ્લતનગરનાં છાપરાંમાં બનતાં ચકચાર મચી ગઇ છે. નજીવી બાબતે બોલાચાલી થતાં મિત્રએ મિત્રની ચપ્પાના ધા ઝીંકીને હત્યા કરી છે. ઇસનપુર પોલીસ યુવકની હત્યા કરનાર મિત્રની ધરપકડ કરી લીધી છે.

તારા જેવા લુખ્ખાઓ હોય તો કારખાનું બંધ કરીને દેવાના દિવસો આવે તે વાત પર મિત્રએ મિત્રની હત્યા કરી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છેકે ઇસનપુર વિસ્તારમાં આવેલ મિલ્લતનગરમાં રહેતા અનવરખાન અસદખાન પઠાણે તેના પુત્ર સહેજાદની હત્યા કરાઇ હોવાની ફરિયાદ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નવાબનગર ચોકનાં છાપરાંમાં મૌસિન નામના યુવકનું ભરતકામ કરવાનું એક કારખાનું આવેલુ છે. ગઇ કાલે મોડી રાતે મૌસિન પોતાનું કારખાનું બંધ કરીને બીજી જગ્યાએ ખસેડવા માટે કામગીરી કરતો હતો. તે સમયે સહેજાદ પઠાણ અને યુસુફ અંસારી બંને મિત્રો કારખાના પાસે ઊભા હતા.

યુસુફે સહેજાદને મૌસિન કારખાનું કેમ બંધ કરે છે તેવું પૂછ્યું હતું જેમાં સહેજાદે યુસુફને કહ્યુ કે તારા જેવા લુખ્ખાઓ હોય તો કારખાનું બંધ કરી દેવાના દિવસો આવે… સહેજાદના મોઢે આ વાત સાંભળતાં યુસુફ ઉશ્કેરાઇ ગયો હતો અને મારામારી શરૂ કરી દીધી હતી. મૌસિને બંને વચ્ચે સમાધાન કરાવ્યુ હતું જોકે ઉશ્કેરાયેલાે યુસુફ છરી લઇને આવ્યો હતો અને સહેજાદને ઉપરા છાપરી છરીના ધા ઝીંકી દીધા હતા. ઇજાગ્રસ્ત સહેજાદને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઇસનપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી યુસુફની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે. છ દિવસમાં શહેરમાં ત્રણ હત્યાના બનાવ નોંધાયા છે. જેમાં નારોલ કોઝી હોટલ પાસે કીચડ ઉછાળવા બાબતે થયેલી મનોજના હત્યા કેસમાં વટવા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ત્યારે વાસણામાં થયેલી મહેશ ઉર્ફે મલા ઠાકોરની હત્યા કેસમાં વેજલપુર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ગત મહિને શહેરમાં ૧૮ હત્યાના બનાવો બન્યા હતા જેમાં સાત હત્યાઓના ભેદ હજુ સુધી ઉકેલાયા નથી.

You might also like