વડોદરામાં મિત્રએ મિત્રની અને જામનગરમાં લૂંટારુઓએ ચોકીદારની કરી હત્યા

વડોદરાઃ સાતમ-આઠમનાં તહેવાર દરમ્યાન જામનગરમાં લૂંટારુઓએ ડોક્ટર દંપતીના બંગલાના ચોકીદારની અને વડોદરામાં ગણેશ મહોત્સવના ફાળા ઉઘરાવવા બાબતે મિત્રએ મિત્રની હત્યા કરી હોવાના બનાવ બન્યાં છે. પોલીસે આ મામલે ગુના નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારમાં આવેલા ડો.નરોત્તમભાઇ અને ડો.નીલાબહેન બક્ષી રહે છે. પુષ્કરધામ સોસાયટી શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા ત્રિભુવનભાઇ વિઠ્ઠલભાઇ બકરાણિયા (ઉ.વ.૬૨) તેમનાં બંગલાની ચોકીદારી કરતા હતા. ઘરના માલિક ડોક્ટર દંપતી પાંચ દિવસથી મુંબઇ ગયાં હતાં.

આ દરમ્યાનમાં મોડી રાતે કોઇ અજાણ્યા શખ્સોએ ઘરના ડેલામાં પ્રવેશ કરી વૃદ્ધ સાથે ઝપાઝપી કરી તેનું ગળું દબાવી હત્યા નીપજાવી ઘરમાં ઘૂસ્યા હતા. લૂંટારુઓને ઘરમાં કંઇ હાથ લાગ્યું ન હતું. જેથી હત્યારાઓએ ફળિયામાં રહેલી કાર રૂ. પાંચ લાખની કિંમતની ઉઠાવી નાસી છૂટ્યા હતાં.

ડેલામાં લાશ પડી હોવાની માહિતી મળતાં પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. હત્યારાઓએ હત્યા કર્યા બાદ ૧૨થી ૧૫ ફૂટ તેની લાશ ઢસડીને નાખી દીધી હતી. બંગલામાં લગાડવામાં આવેલા કેમેરા બંધ હાલતમાં હતાં. પોલીસે શહેરનાં રસ્તાઓ પરના કેમેરાની ચકાસણી કરી છે. જેમાં કાર છેલ્લે લાલપુર બાયપાસ સુધી દેખાઇ હતી. પોલીસે ચોકીદારનાં પુત્રની ફરિયાદ નોંધી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

બીજા બનાવમાં વડોદરાનાં વાઘોડિયા રોડ પર આવેલા પરિવાર ચાર રસ્તા પાસે આવેલા ભૈરવનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો સંજુ ચંદુ કહાર, કાલુ કહાર અને અજય કહાર રવિવારે રાત્રે ઉકાજીના વાડિયામાં ગણપતિનો ફાળો લેવા માટે ગયા હતાં.

જે ફાળા બાબતે ઉકાજીના વાડિયામાં રહેતા રમેશ ઉર્ફ ટીનો રણછોડભાઇ ભોઇ સાથે મારામારી થઇ હતી. જેમાં પરિવાર ચાર રસ્તા પાસેની લારીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. રવિવારે રાત્રે બનેલા આ બનાવ બાદ સંજુ કહાર અને ટીના ભોઇ વચ્ચે સમાધાનની પણ વાટાઘાટો શરૂ થયો હતો.

દરમિયાનમાં ગઈકાલે સવારે ટીનો ભોઇ ગણપતિ માટે બાંધવામાં આવેલા પંડાલમાં બેઠો હતો. તે સમયે સંજુ કહાર ત્યાં આવી પહોંચ્યો હતો. અને ટીના ભોઇને જણાવ્યું હતું કે, તારે પંડાલમાં બેસવું નહીં. જે બાબતે પુનઃ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. પરંતુ અન્ય યુવાનો આવી જતાં મામલો થાળે પડી ગયો હતો. બાદમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ભૈરવનગરના યુવાનના પેટમાં ઉકાજીના વાડિયાના યુવાને ચાકુનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

You might also like