પહાડી રાજ્યમાં વરસાદ-બરફવર્ષાથી હવામાનમાં પલટોઃ ઠંડીમાં વધારોે

નવી દિલ્હી, ગુરુવાર
દેશનાં પહાડી રાજ્યમાં વરસાદ અને બરફવર્ષા થતાં હવામાનમાં એકાએક પલટો આવ્યો છે, જેના કારણે આ વિસ્તારમાં ઠંડીમાં વધારો થયો છે. ગઈ કાલે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિમલા અને ગંગોત્રીમાં બરફવર્ષા થતાં આ તમામ વિસ્તારના વાતાવરણમાં પલટો આવી ગયો છે, જ્યારે દહેરાદૂન, ટિહરી અને હ‌િરદ્વારમાં કેટલીક જગ્યાએ કરા પડ્યા હતા.

બીજી તરફ બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી સહિત હર્ષિલમાં પણ ગઈ કાલે અટકી-અટકીને બરફવર્ષા થઈ હતી, જેના કારણે આ તમામ વિસ્તારમાં ઠંડીમાં વધારો થઈ ગયો છે, જ્યારે ચમોલી, પૌડી, હ‌િરદ્વાર, રૂરકી, ઉત્તર કાશી અને કુમાઉમાં વરસાદ થતાં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ ગયો છે.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ ગઈ કાલે હવામાનનો મિજાજ બદલાયો હતો, જેમાં પર્વતીય વિસ્તારમાં હળવી બરફવર્ષા થતાં વરસાદ થયો હતો તેમજ આજે પણ ફરી બરફવર્ષા થતાં હિમસ્ખલનનો ખતરો જણાઈ રહ્યો છે. સતત બરફવર્ષાથી શ્રીનગરમાં મહત્તમ તાપમાન ૧૧.૨ અને લઘુતમ તાપમાન ૫.૨ ડિગ્રી નોંધાયું હતું તેમજ બરફવર્ષાથી બડગામ, બાંદીપોરા, બારામુલા, કુપવાડા , શોપિયા તથા અનંતનાગ જિલ્લામાં ફરી હિમપાતનો ભય જણાઈ રહ્યો છે.

દિલ્હીમાં પણ ગઈ કાલે વાતાવરણ વાદળછાયું રહ્યું હતું, જેના કારણે લઘુતમ તાપમાન સામાન્ય કરતા પાંચ ડિગ્રી વધુ રહ્યું હતું. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આજે પણ અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ આંધી સાથે હળવો વરસાદ થાય તેવી સંભાવના છે. આગામી ૨૪ કલાકમાં હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારમાં વરસાદ તેમજ ઉપરના વિસ્તારમાં બરફવર્ષા થવાની સંભાવના છે.

માર્ચ મહિનામાં બરફવર્ષા અને વરસાદ થતાં આ વિસ્તારમાં ફરી એક વાર ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે, જોકે હવામાનમાં પલટો આવતાં કિસાનોની ચિંતામાં વધારો થયો છે. કરા પડવાથી તેમના તૈયાર પાકને નુકસાન થવાની દહેશત જણાઈ રહી છે. આમ, પહાડી રાજ્યમાં ગઈ કાલથી એકાએક હવામાનમાં પલટો આવતાં હાલ ગરમીના દિવસોમાં પણ આ વિસ્તારમાં ઠંડીનું જોર વધી જતાં તેની જનજીવન પર અસર જોવા મળી રહી છે.

You might also like