‘ફ્રીડમ ૨૫૧’નું બુકિંગ ફરી શરૂઃ સરકારે કંપની પાસે સ્પષ્ટતા માગી

નવી દિલ્હી: દુનિયાના સૌથી સસ્તા સ્માર્ટ ફોન ફ્રીડમ ૨૫૧ની સાઈટ ક્રેશ થયા બાદ અાજે સવારે તેનું પ્રી બુકિંગ ફરી એક વાર શરૂ થઈ ગયું છે. ટ્વિટર પર કેટલાક યુઝર્સે બુકિંગમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઅો સર્જાવાની વાત કરી. ૨૫૧ રૂપિયાનો અા ફોન શિપિંગ ચાર્જિસ સાથે ૨૯૧ રૂપિયામાં મળી રહ્યો છે. પહેલા દિવસે કંપની રિંગિંગ બેલસે તેના ૩૦,૦૦૦ અોર્ડર લઈને ૮૭ લાખ રૂપિયા એકઠા કરી લીધા.

ફોનનું અાટલા મોટા પ્રમાણમાં બુકિંગ થઈ રહ્યું છે. તેની પર સરકારની નજર છે. એક ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા માગી છે. યુપી સરકાર પણ તેની તપાસ કરશે.  એક મીડિયા રિપોર્ટ મુજબ ટેલિકોમ મંત્રાલય અા કંપનીની ગતિવિધિઅો પર નજર રાખીને બેઠું છે. મંત્રાલયનું ઇન્ટરનલ એસેસમેન્ટ પણ કહે છે કે અા સ્માર્ટ ફોનની કિંમત ૨૩૦૦ રૂપિયાથી અોછી ન હોઈ શકે પરંતુ જ્યાં સુધી કોઈ છેતરપિંડીની બાબત કે ફરિયાદ સામે અાવતી નથી ત્યાં સુધી સરકાર અા બાબતમાં દખલ ન કરી શકે. ૨૫૧ રૂપિયાના ફોનના વાયદાને ગોટાળો ગણાવતાં ભાજપ સાંસદ કિરીટ સોમૈયાઅે ટ્વિટ કરીને દાવો કર્યો છે કે ટેલિકોમ મંત્રાલયે રિંગિંગ બેલ પાસે સ્પષ્ટતા માગી છે. સોમૈયાના જણાવ્યા મુજબ કંપનીને એવું પૂછવામાં અાવ્યું છે કે તે બ્યૂરો અોફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના સર્ટિફિકેશન વગર કેવી રીતે ફોન વેચી શકે.

કેન્દ્રઅે યુપી સરકારને પણ કંપનીની અોથોરિટી ચકાસવાનું કહ્યું છે. સરકાર તરફથી કંપની પર નજર રખાયાના સમાચાર અને ભાજપના નેતા સોમૈયાના દાવાઅોનું કંપનીઅે ખંડન કર્યું. રિંગિંગ બેલના ડિરેક્ટર મોહિત ગોયલે જણાવ્યું કે અમે કંઈ પણ છુપાવી રહ્યા નથી. બુકિંગમાંથી મળેલા ફંડને અમે અલગ એકાઉન્ટમાં રાખ્યું છે. તમામ ડિલિવરી ન થાય ત્યાં સુધી અમે તેને હાથ લગાવીશું નહીં. અમે તમામ ૫૦ લાખ સ્માર્ટ ફોનની ૩૦ જૂન સુધી ૧૦૦ ટકા ડિલિવરીનો વાયદો કરીઅે છીઅે.  ઉલ્લેખનીય છે કે અા પહેલા અાવેલા સમાચારોમાં કહેવાયું હતું કે કંપની ૨.૫ લાખથી વધુ સ્માર્ટ ફોનના અોર્ડર નહીં લે.

You might also like