જન ધન યોજનામાં ફ્રી નવી સુવિધાઓ જાહેર, ઓવરડ્રાફ્ટની લિમિટ વધારાઈ

નવી દિલ્હી: જો તમે જન ધન બેન્ક ખાતાનો ઉપયોગ કરતા હો તો તમારા માટે ખુશખબર છે. સરકારે લોકોને બેન્ક ખાતાં ખોલવા માટે પ્રોત્સાહિત કરવા શરૂ કરેલ પ્રધાનમંત્રી જન ધન યોજનાને (પીએમજેડીવાય)ને હંમેશાં ખુલ્લી રહેનાર (ઓપન એન્ડેડ) યોજના બનાવવાનો નિર્ણય કર્યો છે.

આ સાથે જ યોજના સાથે કેટલાક ઇન્સેન્ટિવ પણ જોડવાનો નિર્ણય કરાયો છે.પીએમજેડીવાય ઓગસ્ટ-૨૦૧૪માં શરૂ કરવામાં આવી હતી અને ત્યારે આ યોજનાને ચાર વર્ષ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. સામાન્ય જનતાને બેન્ક સાથે જોડવા અને વીમા-પેન્શન જેવી નાણાકીય સેવા ઉપલબ્ધ કરાવવા તેની શરૂઆત કરાઇ હતી.

નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું છે કે હવે આ યોજના અચોક્કસ મુદત માટે ખુલ્લી રહેશે એટલું જ નહીં જન ધન ખાતામાં મળતી ઓવરડ્રાફ્ટની સુવિધા રૂ. ૫,૦૦૦થી વધારીને રૂ. ૧૦,૦૦૦ કરવામાં આવી છે.

આ ઉપરાંત જન ધન યોજના ખાતાંધારકોને રૂપે કાર્ડ પર મળતા અકસ્માત વીમાની રકમ રૂ. એક લાખથી વધારીને રૂ. બે લાખ કરવામાં આવી છે. આ વીમા માટે જન ધન ખાતામાંથી માત્ર પ્રતિ કાર્ડ ૪૭ પૈસાનું પ્રીમિયમ લેવાય છે.

You might also like