વધારે ઉઘરાવેલી ફી પરત નહીં કરતી કોલેજો સામે FRCની લાલ આંખ

અમદાવાદ: રાજ્યની એન્જિનિયરિંગ કોલેજો દ્વારા આડેધડ વસૂલવામાં આવતી ફીના નિયમન માટે શિક્ષણ વિભાગ દ્વારા ફી નિયમન કમિટી (એફઆરસી)ની રચના કરવામાં આવી છે, જેમાં રાજ્યની આઠ એન્જિનિયરિંગ કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી ફી અથવા ડિપોઝીટના નામે વધારે રકમ લીધી હોવાની અનેક ફરિયાદ કમિટીને મળી હતી.

ત્યારબાદ બીજી ૧૦૦ જેટલી એન્જિનિયરિંગ કોલેજો કમિટીએ નક્કી કરેલી ફી કરતાં વધારાની ફી કે ડિપો‌િઝટના બહાને જુદાં જુદાં ઉઘરાણાં કરી રહી હોવાની વ્યાપક ફરિયાદો કમિટીને મળતાં હવે આવી એન્જિનિયરિંગ કોલેજોને આગામી સપ્તાહથી શો-કોઝ નોટિસ ફટકારવાનું ચાલુ કરાશે.

જસ્ટિસ અક્ષય મહેતાના નેતૃત્વ હેઠળ એફઆરસીની રચના કરવામાં આવી છે. તાજેતરમાં જ રાજ્યની ૮ કોલેજોએ ૧૦૭૪ વિદ્યાર્થીઓ પાસેથી નિયત કરાઈ હોય તેના કરતાં વધુ રકમ ઉઘરાવી હતી તેવી ફરિયાદના આધારે ચકાસણી કરવામાં આવી હતી.

ત્યારબાદ આઠ ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટને ૧૦૭૪ વિદ્યાર્થીઓને રૂ.૯૬,૩૯,૨૭૭ની રકમ પરત કરવા આદેશ કરાયો હતો અને તેની ચુકવણી પણ કરી દેવામાં આવી છે, જોકે એફઆરસીને એવી પણ ફરિયાદો મળી છે કે કેટલીક કોલેજોના સંચાલકો વધારાની ફી કે ડિપોઝીટના નામે રકમ પડાવી રહ્યા છે. આવી કોલેજોની સંખ્યા ૧૦૦થી વધુ છે.

ડેક્લેરેશન કમ અંડરટેકિંગ ન આપનારા અથવા એફઆરસીએ નક્કી કરેલી ફી કરતાં વધારાની ફી કે ડિપોઝીટના બહાને ઉઘરાણાં કરનારી કોલેજોને શો-કોઝ નોટિસ ઉપરાંત કાયદાની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

કુલ ૮ પૈકીની અમદાવાદની અદાણી એન્જિનિયરિંગ કોલેજમાં ૩૦૮ વિદ્યાર્થીઓને ૩૯,૮૦,૦૦૦ પરત કરવાનો આદેશ કરાયો છે, જ્યારે એશિયા પ્રેસિ‌ફિક હોટલ મેનેજમેન્ટ કોલેજના ૧૦ વિદ્યાર્થીઓને રૂ.૩,૫૪,૭૦૦ પરત કરવાનો આદેશ એફઆરસી દ્વારા અપાયો છે.

આ અંગે એફઆરસીના સભ્ય સીએ જૈનિક વકીલે જણાવ્યું હતું કે ક્વોશન મની ન લઈ શકાય તેવો લીગલ ઓપિનિયન કમિટીને મળી ગયો છે. તેથી અંડરટેકિંગ નહીં આપનારી ૧૫૦થી વધુ કોલેજોને શો-કોઝ નોટિસ ફટકારવાનું ચાલુ કરાશે.

હાલમાં ૮ કોલેજોએ ૯૬ લાખ ફી પરત કરી દીધી છે, પરંતુ ૧૦૦થી વધુ કોલેજોને વધારાની ફી પરત કરવાનો આદેશ અપાયા પછી ફી પરત નહીં કરાતી હોવાની ફરિયાદો મળતાં તેમને શો-કોઝ નોટિસ આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

You might also like