સ્લિપમાં નોટોની સિરીઝ લખવાનું કહી ગઠિયાએ ૪૬,૦૦૦ સેરવી લીધા

અમદાવાદ, ગુરુવાર
નારણપુરાની બેન્ક ઓફ બરોડામાં પુત્રના પી.એફના પૈસા ભરવા આવેલા વૃદ્ધ સાથે ગઠિયાએ છેતરપિંડી આચરી હોવાની ઘટના બની છે. પૈસા ભરવાની સ્લિપમાં નોટોની સિરીઝ લખવાનું કહી ગઠિયાએ વૃદ્ધના રૂ.૪૬,૦૦૦ સેરવી લીધા હતા. આ અંગે નારણપુરા પોલીસે ગુનો નોંધી બેન્કમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે નારણપુરાની નંદુપ્રસાદ મહાદેવિયા સોસાયટીમાં ભગુભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. ગઈ કાલે બપોરે એક વાગ્યે ભગુભાઈ તેમના નાના પુત્ર ચિંતનના પી.એફ.ના રૂ. એક લાખ ભરવા બેન્ક ઓફ બરોડાની નારણપુરા બ્રાન્ચમાં ગયા હતા.

ટોકન નંબર લઇ તેઓ બાંકડા પર બેઠા હતા ત્યારે એક અજાણ્યો શખ્સ ભગુભાઈ પાસે આવ્યો હતો. તેને જણાવ્યું હતું કે ‘કાકા તમે ભરેલા ફોર્મમાં નોટોના નંબર લખવા પડશે’ જેથી ભગુભાઈએ રૂ.ર,૦૦૦ની નોટોનું બંડલ કાઢી તે શખ્સને આપ્યું હતું. થોડા નંબર લખી તે શખસે પૈસા અને ફોર્મ આપી દીધાં હતાં.

ભગુભાઈ કાઉન્ટર પર પૈસા જમા કરાવવા ગયા ત્યારે બેન્ક કર્મચારીએ જણાવ્યું હતું કે એક લાખની ર,૦૦૦ની નોટોમાં ર૩ નોટ ઓછી છે. બેન્કના સીસીટીવી ફૂટેજ જોતાં અજાણી વ્યક્તિએ નંબર લખવાના બહાને રૂ.૪૬,૦૦૦ની નોટો સેરવી લીધી હતી. ભગુભાઈએ આ અંગે તેમના પુત્રને વાત કરી હતી. ભગુભાઈએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

You might also like