યુવકને ફસાવી ખોટા પાસપોર્ટના આધારે યુવતી અમેરિકા ફરાર

અમદાવાદ: ગાંધીનગરના માણસા પાસે આવેલા ખરના ગામમાં રહેતા પરિવાર પાસેથી પૈસા અને મિલકત પચાવી પાડવા યુવકને લગ્નના નામે ફસાવી ખોટા પાસપોર્ટના આધારે યુવતી અમેરિકા ફરાર થઇ ગઈ હોવાની ઘટના સામે આવી છે. યુવકના ભાઈએ ફરાર યુવતી સ‌િહત પાંચ લોકો સામે છેતરપિંડી કર્યા અંગે તેમજ ધાકધમકીની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી છે. પોલીસે હાલ આ અંગે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ખરના ગામમાં રમેશભાઈ ચૌધરી તેમના પરિવાર સાથે રહે છે. રમેશભાઈને જગદીશભાઈ જોઈતારામભાઇ પટેલ, અશ્વિન રામાભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ચૌધરી અને ભાવનાબહેન ચૌધરી સાથે ઓળખાણ થઇ હતી. તમામે ભેગાં મળી કાવતરું રચી રમેશભાઈના નાનાભાઈ દશરથભાઈ સાથે ભાવનાબહેનનાં લગ્ન નક્કી કર્યાં હતાં.

લગ્ન નક્કી કર્યા બાદ ભાવનાબહેન કુલકર્ણી મયૂરી ભૂષણભાઈના નામનો ખોટો પાસપોર્ટ બનાવડાવી વિઝા મેળવીને અમેરિકા જતાં રહ્યાં હતાં. બાદમાં તમામે ધાકધમકી આપી અને રૂ.પ.પ૦ લાખ રમેશભાઈ પાસેથી પડાવી લીધા હતા. પોણા બે વીઘા જેટલી જમીન પણ જોઈતારામ પટેલના નામે દસ્તાવેજ કરાવી છેતરપિંડી આચરી હતી. આ અંગે રમેશભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like