ર૦૦૦ની નોટોના કમિશનથી છૂટા આપવાના બહાને વૃદ્ધ સાથે છેતરપિંડી

અમદાવાદ: બે હજારના દરની નોટોના બદલામાં કમિશનથી છુટ્ટાં નાણાં આપવાના બહાને વસ્ત્રાલમાં રહેતા વૃદ્ધ સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે. ચાર શખ્સો વૃદ્ધને વિશ્વાસમાં લઈ કમિશન આપવાનું કહી પૈસા લઇ ફરાર થઇ ગયા હતા. અસલાલી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા મારુતિ ટેનામેન્ટમાં જયકરભાઈ રશ્મિકાન્ત ભટ્ટ તેમના પરિવાર સાથે રહે છે. જયકરભાઈ હાલ નિવૃત્ત જીવન ગુજારે છે. થોડા સમય અગાઉ તેઓને રાહુલ સંઘવી અને ભાવેશ પંચાલ નામની વ્યક્તિઓ સાથે ઓળખાણ થઇ હતી. આ બંને યુવકોએ જયકરભાઈને બે હજારના દરની નોટોના બદલામાં છુટ્ટાં નાણાં કમિશનથી આપવાની વાત કરી હતી. છુટ્ટા પૈસા પર ૧૦ ટકા કમિશનની લાલચ આપતાં તેઓ વિશ્વાસમાં આવી ગયા હતા, જેથી તેઓએ સૌપ્રથમ રૂ. ર લાખની નોટો સામે છુટ્ટા પૈસા પર ૧૦ ટકા કમિશન જયકરભાઈને આપ્યું હતું. એક વારમાં કમિશન મળી જતાં તેઓ વિશ્વાસમાં આવી ગયા હતા.

બાદમાં ફરીથી રૂ. સાત લાખ લઇ જયકરભાઈને બાકરોલ ખાતે રાહુલ અને ભાવેશે બોલાવ્યા હતા, જ્યાં એક સ્વિફટ કારમાં આસિફભાઇ નામની અન્ય એક વ્યક્તિ ત્યાં આવી હતી. પૈસા બદલાવવા લઇ જાય છે તેમ કહી રૂ. સાત લાખ લઇ તમામ ફરાર થઇ ગયા હતા. આ અંગે અસલાલી પોલીસ સ્ટેશનમાં તેઓએ અરજી આપી હતી. એક મહિના બાદ અસલાલી પોલીસે આરોપીઓ ન મળતાં જયકારભાઈની ફરિયાદ લઇ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like