૨૫ લાખ નહીં આપે તો તારા જોડે લગ્ન નહીં કરું

અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતી એક યુવતીને ઇસનપુર વિસ્તારમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને યુવક પોતાની પ્રેમિકાના પિતા પાસેથી વિદેશ જવાનું કહી રૂ. ૨૫ લાખ માંગ્યા હતા અને આ પૈસા નહીં આપે તો લગ્ન નહીં કરું તેવું તેની પ્રેમિકાને જણાવતાં યુવતીને મનમાં લાગી આવતાં તેણે આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવતી પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી.

આ અંગે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે.ઇસનપુર મુરલીધર વિભાગ-૩માં રવિન્દ્રનાથ મિહીરલાલ ગાયન રહે છે તેઓ પોતે એક કંપનીમાં એન્જિનિયર છે. તેઓને સુસ્મિતા (ઉ.વ. ૨૬) નામની પુત્રી હતી. સુસ્મિતાને ઇસનપુર વિશાલનગર પાસે રહેતાં પ્રજન એપાર્ટમેન્ટ ખાતે રહેતાં અમરદિપ રોય સાથે છેલ્લાં સાત-આઠ વર્ષથી પ્રેમસંબંધ હતો. તેઓનાં ઘરનાં સભ્યોને પ્રેમસંબંધની જાણ હતી અને લગ્ન બાદમાં કરવા જણાવ્યું હતું.

વિદેશ જવા માટે અમરદિપને રૂ. ૨૫ લાખની જરૂર હોવાથી તેણે સુસ્મિતાને વાત કરી હતી કે તારા પિતા રૃા. ૨૫ લાખ આપે અને જો નહીં આપે તો તારા જોડે લગ્ન નહીં કરું. જેથી આ બાબતે સુસ્મિતાને મનમાં લાગી આવતાં તેણે ગત તા.૨૭ જાન્યુઆરીનાં રોજ પોતાનાં ઘરે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા અગાઉ તેણે અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી. જેમાં તેણે પોતાનો ગર્ભપાત પણ કરાવ્યો હોવાનું લખ્યું હતું. આ અંગે સુસ્મિતાના પિતાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like