સસ્તા અાઈફોન-xના નામે અાકિબે ૨0 જણા સાથે છેતરપિંડી કરી હતી

અમદાવાદ, શનિવાર
ગુજરાત રણજી ટીમના ખેલાડીને સસ્તા ભાવે આઇફોન-x મોબાઈલ ફોન આપવાની લાલચ આપનાર આરોપીની નારણપુરા પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં મહત્ત્વનો ખુલાસો થયો છે. આરોપી આકિબ શેખે ‘ક્રાઇમ પેટ્રોલ’ નામની સિરિયલ જોઇને લોકોને છેતરવાનો પ્લાન ઘડ્યો હતો. અમદાવાદની ત્રણ વ્યક્તિ સહિત ર૦ લોકો સાથે તેણે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે.

નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે રહેતા અને ગુજરાત રણજી ટીમના ખેલાડી કરણ પટેલે ઇન્સ્ટાગ્રામમાં એક લાખની મતાનો આઇફોન ૬૦ હજારમાં મળી રહ્યો હોવાની જાહેરાત જોઈ તેમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં સામેવાળી વ્યક્તિના ખાતામાં કરણે ૬૦ હજાર રૂપિયા ભરી દીધા હતા, પરંતુ તેને આઇફોન મળ્યો નહિ અને છેતર‌િપંડી થઇ હોવાનું સામે આવ્યું હતું.

ટેકનિકલ તપાસ કરતાં આ આઇડી ફેક હોવાનું જાણવા મળ્યું અને તેણે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ચી‌િટંગની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીના ઘરની આસપાસ પાંચ દિવસ સુધી એક વ્યક્તિને બેસાડી રાખી અને ટ્રેપ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસે પૂછપરછ કરતાં આરોપી આકિબ શેખે ટીવીમાં આવતી ‘ક્રાઇમ પેટ્રોલ’ નામની સિરિયલ જોઇને લોકોને ૧૦ મહિનાથી છેતરતો હતો. આ‌િકબે માતા-પિતાને જાણ ન થાય તે માટે અલગ અલગ ચાની કીટલી, પાનના ગલ્લે કે અન્ય જગ્યાએ બેસીને સોશિયલ મી‌િડયા મારફતે આ છેતરપિંડીની ચેઇન ચલાવતો હતો.

તેને આઇફોનના ગેજેટ્સ ખરીદવાનો શોખ હોવાથી લોકોને છેતરવાનું ચાલુ કર્યું હતું. ૧૦ મહિનામાં આકિબ શેખે ર૦ જેટલા લોકોને આ મોડસ ઓપરેન્ડીથી છેતરી ચારેક લાખ રૂપિયા પડાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

બીસીએનો અભ્યાસ કરતો હોવાથી તે ટેકનોલોજીનો જાણકાર પણ હતો. જે વીસેક લોકો સાથે આકિબે છેતરપિંડી કરી છે તેમાંના ત્રણ લોકો અમદાવાદના હોવાનું સામે આવ્યું છે, જે લોકોને આ‌િકબ પાસેથી પોલીસે રૂપિયા પરત અપાવી દીધા છે.

You might also like