દેશની બેન્કોમાં ફ્રોડ ઝડપથી વધી રહ્યા છે

મુંબઇ: દેશમાં પાંચ બેન્કોમાંથી ચાર બેન્કો ડેટા ચોરી અથવા ફ્રોડના શિકારનો ભોગ બની રહી છે, જેમાં ૮૦ ટકા મામલામાં જે તે જગ્યાએ કામ કરતા કર્મચારીઓ સામેલ હોવાનું બહાર આવ્યું છે.  આ અંગેની જાણકારી ક્રોલ કી ફ્રોડના રિપોર્ટમાં બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે સરકાર એક બાજુ બેન્કોમાં ઓનલાઇન વ્યવહાર વધે તે માટે ભાર મૂકી રહી છે. તો બીજી બાજુ આ પ્રકારનો ચોંકાવનારો રિપોર્ટ બહાર આવતાં બેન્કિંગ સેક્ટરમાં ચિંતા પેઠી છે.

રિપોર્ટમાં જણાવ્યું છે કે કાળાં નાણાંને ધોળાં કરવાં, ભ્રષ્ટાચાર કાયદાની વિરુદ્ધમાં જઇને કામ કરવાની બાબતમાં ભારત નંબર વન છે અને તેને કારણે ભારતીય કંપનીઓના બિઝનેસ ઉપર પણ અસર પડી રહી છે. જોકે રિપોર્ટમાં જણાવ્યું છે કે બેન્કો હવે ફ્રોડ ડિટેક્શન સિસ્ટમ લગાવી રહી છે, જેના કારણે બેન્કોમાં ફ્રોડ થતાં અટકે. ઉલ્લેખનીય છે કે જાહેર ક્ષેત્રની બેન્કોમાં ગ્રાહકોને ઝડપી તથા ઓનલાઇન બેન્કિંગ સુવિધા મળી રહે તે માટે બેન્કો ઓનલાઇન વ્યવહારો ઉપર ભાર મૂકી રહી છે, પરંતુ સિસ્ટમમાં કેટલીક ખામીઓ હોવાના કારણે છેતરપિંડીના બનાવો પણ ઝડપથી વધી રહ્યા છે. આવા સમયે આ આવેલો રિપોર્ટ બેન્કિંગ સેક્ટર માટે ચિંતા વધારનારો સાબિત થઇ શકે છે.

You might also like