નકલી સોનું પધરાવી છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

અમદાવાદ: રાજ્યના જુદા જુદા શહેરોમાં નિર્દોષ લોકોને નકલી સોનું પધરાવી મોટી રકમ પડાવી લઇ છેતરપિંડી કરતી ગેંગને લુણાવાડા કોટેજ ચોકડી પાસેથી સ્થાનિક પોલીસે ઝડપી લઇ પૂછપરછ કરતાં રાજ્યના અમદાવાદ, વડોદરા, ગોધરા, મહીસાગર જિલ્લામાં આ પ્રકારના ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યના જુદાં જુદાં શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી લોકોને નકલી સોનું પધરાવી લૂ્ંટ ચલાવતી ગેંગ સક્રિય બનતાં જુદા જુદા જિલ્લાની પોલીસે પોતપોતાના વિસ્તારમાં આ ગેંગને પકડવા જાળ બિછાવી હતી. દરમિયાન મહીસાગર એસઓજીને બાતમી મળી હતી કે લુણાવાડા કોટેજ ચોકડી નજીકથી નકલી સોનાનાં બિસ્કિટ રાખી છળકપટ દ્વારા લોકોને છેતરવા પાંચ શખ્સ બાઇક પર નીકળવાના છે.

આ બાતમીના આધારે કોટેજ ચોકડી નજીક પોલીસે નાકાબંધી કરી બે બાઇક પર શકમંદ હાલતમાં પસાર થઇ રહેલા પાંચ શખ્સને રોકી જડતી કરતાં તેમની પાસે નકલી સોનાના બિસ્કિટ, એરગન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ગેંગે અમદાવાદ સહિત જુદા જુદા શહેરમાં આ પ્રકારના ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી. જો ગ્રાહક તેમની જાળમાં ન ફસાય તો આ શખ્સો એરગન બતાવી ધાકધમકી આપી લૂંટ પણ ચલાવતા હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.

You might also like