પ્રજાસત્તાક દિન સમારોહમાં ફ્રાંસના પ્રમુખ ઓલાંદે અતિથિ

નવી દિલ્હી: ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણીના પ્રસંગે ખાસ અતિથિને આમંત્રણ આપવાની પરંપરાને આગળ ધપાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયે ૨૬ જાન્યુઆરી, ૨૦૧૬ની ઉજવણીમાં ફ્રાંસના પ્રમુખ ફ્રાંસીસ ઓલાંદેને મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું છે. ઓલાંદેએ પણ આ આમંત્રણનો સ્વીકાર કર્યો છે અને તેઓ ભારતના સૈન્યની યોજાનારી પરેડની સલામી ઝીલશે.

વિદેશ મંત્રાલય દ્વારા એક ટ્વિટમાં જણાવાયું હતું,’ અમને આશા છે કે તેમની મુલાકાતને લીધે ભારત અને ફ્રાંસ વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બનશે. મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે ૨૬મી જાન્યુઆરી,૨૦૧૬ના રોજ ભારતના ૬૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના અમારા આમંત્રણનો ફ્રાંસના પ્રમુખ ફ્રાંસીસ ઓલાંદેએ સ્વીકાર કર્યો છે તેનો અમને ખૂબ આનંદ છે.

મહત્વની બાબત એ છે કે ૧૯૯૮માં ભારતે અણુ પરિક્ષણ કર્યું તે પછી ફ્રાંસ પ્રથમ દેશ હતો જેની સાથે ભારતે વ્યૂહાત્મક ભાગીદારી કરી હતી. બંન્ને દેશો વચ્ચે મજબૂત વેપાર અને રોકાણ તથા સાંસ્કૃતિક સંબંધો, ઉપરાંત સંરક્ષણ, અંતરિક્ષ,નાગરિક અણુ અને સુરક્ષાના ક્ષેત્રમાં ગાઢ સહયોગ છે. એનએસજી પાસેથી મુક્તિ મેળવ્યા બાદ ફ્રાંસ પ્રથમ દેશ હતો જેની સાથે ભારતે નાગરિક અણુ ઊર્જા સહયોગ કર્યો હતો. આ પાંચમી વખત ફ્રાંસના નેતા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. ફ્રાંસના નેતાઓએ અગાઉ ચાર વખત ૧૯૭૬,૧૯૮૦,૧૯૯૮ અને ૨૦૦૮માં હાજરી આપી હતી.

You might also like