ફ્રાન્સની સુંદરી આઈરિસ મિતેનેના શિરે ‘મિસ યુનિવર્સ’નો તાજ

મનિલા (ફિલિપાઇન્સ): મિસ યુનિવર્સ સ્પર્ધાની ફાઈનલમાં ફ્રાન્સની આઈરિસ મિતેનેએ ૬૫મી મિસ યુનિવર્સનું ટાઈટલ જીતી લીધું છે. ફિલિપાઇન્સના પાટનગર મનિલાના મોલ ઓફ એશિયા એરેનામાં હોસ્ટ હાર્વેએ મિસ યુનિવર્સ તરીકે આઈરિસ મિતેનેના નામની જાહેરાત કરી હતી. ૨૦૧૫ની મિસ યુનિવર્સ પિઆ વુટ જબાકે આઈરિસને મિસ યુનિવર્સનો તાજ પહેરાવ્યો હતો. મિસ યુનિવર્સની ફાઈનલમાં ભારતની રોશ્મિતા હરિમૂર્તિ ટોપ-૧૫માં પણ સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી.

મિસ યુનિવર્સ બનેલી આઈરિસ મિતેને વ્યવસાયે ડેન્ટલ સર્જન છે. તેને રમત-ગમત, ટ્રાવેલિંગ અને નવી ફ્રાન્સ વાનગીઓ બનાવવાનો શોખ છે. આ સ્પર્ધામાં મિસ હૈતી રેકવેલ પેલેસિયરને ફર્સ્ટ રનરઅપ અને મિસ કોલંબિયા એન્ડ્રિયા ટોવરને સેકન્ડ રનરઅપ જાહેર કરવામાં આવી હતી. મિસ યુનિવર્સ સ્પર્ધામાં પૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડની અભિનેત્રી સુસ્મિતા સેન પણ એક જજ હતી.

આ વખતની મિસ યુનિવર્સ સ્પર્ધા ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. ભારતની ત્રણ મહિલાઓએ અલગ અલગ રીતે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. રોશ્મિતા હરિમૂર્તિએ ભારતને રિપ્રેઝન્ટ કર્યું હતું તો સુસ્મિતા સેન આ શોની જજ રહી હતી, જ્યારે ભારતીય મૂળની શીખ ગર્લ કિરણ જસ્સાલે મલેશિયાને રિપ્રેઝન્ટ કર્યું હતું. ૨૩ વર્ષની મિતેને ડેન્ટલ સર્જરીમાં પાંચ વર્ષનો ડિગ્રી અભ્યાસક્રમ કરી રહી છે. આઈરિસ મિતેને નોર્ધન ફ્રાન્સના લીલીની રહેવાની છે.

http://sambhaavnews.com/

You might also like