યુએનમાં મસૂદ અઝહર પર પ્રતિબંધનો પ્રસ્તાવ લાવશે ફ્રાન્સ-બ્રિટન-અમેરિકા

(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાન સામે ભારતને મોટી કૂટનૈતિક સફળતા મળી છે. વિશ્વના ત્રણ સૌથી શક્તિશાળી દેશ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવા માટે ફરી એક વખત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં પ્રસ્તાવ લાવશે.

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર ચોતરફથી દબાણ ઊભું કર્યું છે. હુમલા બાદ અનેક દેશો ભારતના સમર્થનમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર કરવામાં આવેલા આત્મઘાતી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. જૈશનો વડો મસૂદ અઝહર ઘણા લાંબા સમયથી પાકિસ્તાનમાં છુપાઈને બેઠો છે.

આ ઉપરાંત ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર મોટો વાર કરવાની તૈયારી પણ કરી લીધી છે. ભારત અને ફ્રાન્સ ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની બેઠકમાં પાકિસ્તાનને ‘ગ્રે લિસ્ટ’માં યથાવત્ રાખવાની માગણી કરશે. આ સપ્તાહમાં યોજાનારી બેઠકમાં ફ્રાન્સ પાકિસ્તાનના અર્થતંત્ર પર જનોઈવઢ ઘા કરવા તૈયાર છે. ભારતે પણ એફએટીએફને આતંકી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી સંદર્ભે ડોઝિયર સોંપવાની પૂરી તૈયારી કરી લીધી છે. આ ડોઝિયરમાં જણાવાયું છે કે, પુલવામામાં થયેલા આતંકી હુમલાનું ષડ્યંત્ર પાકિસ્તાનમાં જ રચવામાં આવ્યું હતું.

પુલવામા હુમલાના છ દિવસ બાદ મૌન તોડીને પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને ભારત પાસે પુરાવા માગ્યા હતા. ઈમરાને આ કાયરતાપૂર્ણ હુમલાની નિંદા સુદ્ધાં કરી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસમાં જ ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ લાવશે. ફ્રાન્સ યુએનમાં આવા કોઈ પ્રસ્તાવ માટે પક્ષ બને તેવો આ બીજો પ્રસંગ હશે.

આ અગાઉ ૨૦૧૭માં અમેરિકાએ બ્રિટન અને ફ્રાન્સના સમર્થનથી યુએનની પ્રતિબંધ સમિતિ ૧૨૧૭માં એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. જેમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી હતી. ચીને એ વખતે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.

ફ્રાન્સના આ નિર્ણય અંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિના કૂટનૈતિક સલાહકાર ફિલિપ એતિન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ વચ્ચે વાતચીત થઈ હતી. આ દરમિયાન પુલાવામા હુમલા અંગે સંવેદના વ્યક્ત કરીને ફ્રાન્સના કુટનૈતિજ્ઞે બંને દેશોએ સાથે મળીને આતંક સામે લડવાની વાત પર ભાર મૂક્યો હતો. ફ્રાન્સના આ પ્રસ્તાવને અમેરિકા અને બ્રિટને પણ સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

You might also like