વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી બે સપ્તાહમાં રૂ. ૨૮૦૦ કરોડ પાછા ખેંચ્યા

મુંબઇ: વિદેશી રોકાણકારો-ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે શેરબજારમાંથી પાછલાં બે સપ્તાહમાં રૂ. ૨૮૦૦ કરોડથી વધુ રૂપિયા પાછા ખેંચી લીધા છે. બજારના નિષ્ણાતોના કહેવા પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના બીજા ત્રિમાસિક સમયગાળાના મોટા ભાગની અગ્રણી કંપનીઓનાં પરિણામો બજારની અપેક્ષા કરતાં નીચા આવ્યાં છે. એ જ પ્રમાણે ડિસેમ્બર મહિનામાં યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ વિદેશી બજારની અનિશ્ચિતતાએ સ્થાનિક મોરચે પણ વિદેશી રોકાણકારોએ વેચવાલી કરી છે.

૨ નવેમ્બરથી ૧૩ નવેમ્બર સુધી વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી રૂ. ૨૮૦૦ કરોડથી વધુ નાણાં પાછા ખેંચ્યા છે. આ અગાઉ ઓક્ટોબર મહિનામાં વિદેશી રોકાણકારોએ રૂ. ૨૨,૩૫૦ કરોડનું રોકાણ કર્યું હતું, જે માર્ચ મહિના બાદનું સૌથી મોટું રોકાણ હતું. ફ્રાન્સમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે આર્થિક જગતમાં પણ ચિંતા જોવા મળી છે અને તેને કારણે આજે શરૂઆતે મોટા ભાગનાં વિદેશી બજાર પણ રેડ ઝોનમાં ખૂલ્યાં છે. વિદેશી રોકાણકારો પણ સ્થાનિક મોરચે વેચવાલી કરી રોકાણ હળવું કરી રહ્યા છે.

You might also like