ઉન્નાવ ગેંગ રેપ કેસમાં MLA સેંગર સામે ચોથી FIR દાખલ

નવી દિલ્હી: યુપીના ચકચારી એવા ઉન્નાવ રેપ કેસમાં આરોપી ધારાસભ્ય સેંગર સામે ચોથી એફઆઈઆર દાખલ થઈ છે. સીબીઆઈએ  પીડિતાનું નિવેદન લીધા બાદ આ કેસમાં એફઆઈઆર દાખલ કરી છે. આ દરમિયાન સીબીઆઈએ આ મામલે પીડિતાના પિતાના મારપીટથી મોત અંગે તપાસ શરૂ કરી છે તેમજ આજે આ કેસમાં આરોપીને ઉન્નાવ લાવવામાં આવે તેવી શક્યતા છે.

સેંગર સામે ગઈ કાલે સાંજે દાખલ કરાયેલી ચોથી એફઆઈઆરમાં પીડિતા ૧૦ જૂન, ૨૦૧૭ના રોજ ઘરેથી ગુમ થયા અને ૧૦ દિવસ બાદ કાનપુરથી મળી આવવા અંગે કેસ દાખલ કરાયો છે. પીડિતાને ઘટનાના દિવસે સેંગરના ઘરે લઈ જવાના આરોપસર પકડવામાં આવેલી મહિલા શશિસિંહના પુત્ર શુભમસિંહને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે.

પીડિતાના પરિવારનો દાવો છે કે તેમની પાસે પીડિતાની ઉમરને લગતા પૂરતા પુરાવા છે તેમજ આક્ષેપ કર્યો છે કે કુલદીપ સેંગરે તેમને કોર્ટ જતાં અટકાવ્યા હતા. બીજી તરફ આ મામલે સીબીઆઈએ ગઈ કાલે કલમ-૧૬૪ હેઠળ લખનૌ કોર્ટમાં જજે બંધબારણે પીડિતાનું નિવેદન લીધું હતું.

આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરનાે નાર્કો ટેસ્ટ કરાવે તેવી સંભાવના છે. આ માટે સીબીઆઈ ધારાસભ્યને સ્થળની ઓળખવિધિ કરાવવા માટે આજે ઉન્નાવ લાવશે. આ પહેલાં સીબીઆઈએ આ મામલે શશિસિંહની ૧૬ કલાક પૂછપરછ કરી હતી. આ કેસમાં ફરિયાદીએ એવો આક્ષેપ કર્યો છે કે ગુંડાઓ પીડિત પરિવારને ગામ છોડવાની ધમકી આપી રહ્યા છે.

You might also like