હવે ચાર સપ્તાહમાં જ FDIને મંજૂરી મળી જશે

નવી દિલ્હી: હવે ભારતમાં વિદેશી રોકાણકારો માટે અનુકૂળ માહોલ સર્જાયો છે. વિદેશી રોકાણની દરખાસ્ત હવે લાંબા સમય સુધી સરકારી તુમારશાહીમાં અટવાશે નહીં. એફઆઇપીબી સમાપ્ત થયા બાદ એક વ્યવસ્થા ઊભી કરવા માટે નાણાં મંત્રાલયે કેબિનેટ મુસદ્દા નોંધ તૈયાર કરી છે. આ નોંધમાં એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે એફડીઆઇ માટે આવેલી દરખાસ્ત પર મહત્તમ ચાર અઠવાડિયાંમાં નિર્ણય લેવો ફરજિયાત રહેશે. જો સિક્યોરિટી ક્લિયરન્સની જરૂર હોય તો આ માટે વધુ બે અઠવાડિયાંનો સમય મળશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રૂ. ૫૦૦ કરોડથી વધુ રકમની એફડીઆઇ દરખાસ્ત માટે સીસીઇએની મંજૂરી જરૂરી બનશે. એફઆઇપીબી બાદ પણ એપ્રૂવલ રૂટવાળા સેક્ટરમાં મંજૂરી લેવી જરૂરી રહેશે. અત્યારે ૧૧ સેક્ટરમાં એફડીઆઇ માટે સરકારની મંજૂરી જરૂરી છે, જ્યારે નવી વ્યવસ્થામાં માત્ર સંબંધિત મંત્રાલયની જ મંજૂરી લેવાની રહેશે.

જો પાકિસ્તાન કે બાંગ્લાદેશ તરફથી એફડીઆઇ પ્રસ્તાવ હોય તો તે માટે ગૃહ મંત્રાલયની મંજૂરી જરૂરી બનશે. આમ, એફડીઆઇ પ્રસ્તાવ પર થતા બિનજરૂરી વિલંબને નિવારવા માટે હવે નાણાં મંત્રાલયે એક નવો એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને આ એક્શન પ્લાન હેઠળ મહત્તમ ચાર અઠવાડિયાંમાં નિર્ણય કરવો પડશે. કેબિનેટ મુસદ્દા નોટ અનુસાર આર્થિક સચિવ દર ત્રણ મહિને પડતર દરખાસ્તોની સમીક્ષા કરશે અને દર વર્ષે નાણાપ્રધાન એફડીઆઇ નીતિની સમીક્ષા કરશે.
http://sambhaavnews.com/

You might also like